કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોની મુક્તિ માટે ભારતે ભર્યું મોટું પગલું

કતારમાં મૃત્યુદંડની સજા મેળવનારા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓના કેસમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ એક સંવેદનશીલ મામલો છે. આ કેસ કાયદાકીય પ્રક્રિયાને આધીન છે. આ સજા સામે અપીલ દાખલ કરવામાં આવી છે.
અમે આ મામલે કંપનીના એટર્ની સાથે પણ વાત કરી રહ્યા છીએ. એ પણ કહ્યું કે અમે 8 ભારતીયોને અમારી કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. આ બાબતે અટકળો કરવાનું ટાળો. આ સમગ્ર પ્રક્રિયા ગોપનીય રહેશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારત આ મામલે કતારના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે અને સરકાર ભારતીય નાગરિકોને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે. સાથે જ તેમણે કહ્યું હતું કે આનાથી સકારાત્મક પરિણામ આવશે તેવી આશા છે.
બાગચીએ કહ્યું હતું કે આ કેસ હાલમાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ છે. કતારની કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. અમે આ મામલે કતારના સત્તાવાળાઓ સાથે સંવાદ સાધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે હું ફરીથી દરેકને વિનંતી કરીશ કે મામલાના સંવેદનશીલ સ્વભાવને ધ્યાનમાં રાખીને અટકળો ના કરે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કતાર પક્ષ દ્વારા નિર્ણયને ગુપ્ત રાખવામાં આવ્યો છે. તેમણે કેટલાક એવા અહેવાલોને પણ તથ્યપૂર્ણ રીતે ખોટા ગણાવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે કેસમાં અપીલ પર નિર્ણય આપવામાં આવ્યો છે.
26 ઓક્ટોબરે કતારની કોર્ટે 8 ભારતીયોને મોતની સજા સંભળાવી હતી. ભારતે આ નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે આ મામલે તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરશે. આ 8 ભારતીયો ખાનગી કંપની અલ દહરા સાથે કામ કરતા હતા. તેમની કથિત રીતે ગયા વર્ષે ઓગસ્ટમાં જાસૂસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
તે જ સમયે, મ્યાનમારના મામલે પ્રતિક્રિયા આપતા, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મ્યાનમારના નાગરિકોની ભારતીય સરહદ પરની અવરજવર ચિંતાજનક છે. અમે અમારી સરહદ નજીક આવી ઘટનાઓથી અત્યંત ચિંતિત છીએ. મ્યાનમાર સાથે ચાલી રહેલી પરિસ્થિતિ પર અમારી સ્થિતિ સ્પષ્ટ છે. અમે તણાવ ઓછો કરવા અને વાતચીત દ્વારા પરિસ્થિતિનો ઉકેલ લાવવા માંગીએ છીએ. અમે મ્યાનમારમાં શાંતિ, સ્થિરતા અને લોકશાહીની વાપસી માટે હાકલ કરીએ છીએ