Indian embassy in Israel: ઇઝરાયલમાં ભારતીય નાગરિકના મોત બાદ દુતાવાસે જાહેર કરી એડવાઇઝરી

તેલ અવિવ: ઇઝરાયલમાં ભારતીય નાગરિકના મોત બાદ ભારત સરકારે આજે મંગળવારના રોજ ઇઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડી છે. ગઈ કાલે ઇઝરાયલના મારગેલિયોટના એક બગીચા પર એન્ટી-ટેન્ક મિસાઈલ હુમલામાં મૂળ કેરળના ભારતીય નાગરિકનું મોત થયું હતું જ્યારે અન્ય બે ભારતીયો ઘાયલ થયા હતા.
ભારતીય દૂતાવાસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને સ્થાનિક સુરક્ષા એડવાઈઝરીને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં રહેતા તમામ ભારતીય નાગરિકો, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણમાં સરહદી વિસ્તારોમાં કામ કરતા અથવા મુલાકાત લેતા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઇઝરાયેલની અંદરના સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરે.” ભારતીય દૂતાવાસે 24×7 હેલ્પલાઇન નંબર +972-35226748 પણ જાહેર કર્યો છે. નાગરિકો દૂતાવાસને cons1.telaviv@mea.gov.in પર ઇમેઇલ પણ કરી શકે છે.
દૂતાવાસે કહ્યું કે “વૈકલ્પિક રીતે, ઇઝરાયલની પોપ્યુલેશન એન્ડ ઇમિગ્રેશન ઓથોરિટીના હોટલાઇન નંબર 1700707889 પર પણ સંપર્ક કરી શકાય છે. એમ્બેસી ઇઝરાયલમાં ભારતીય નાગરિકોને પણ વિનંતી કરે છે કે તેઓ આ એડવાઇઝરી સ્થાનિક નેટવર્કમાં શેર કરે.”
ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસે X પર પોસ્ટ કર્યું કે, “શિયા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં એક ભારતીય નાગરિકના મૃત્યુ અને અન્ય બેના ઘાયલ થવાથી અમે ઊંડો આઘાત લાગ્યો છે અને દુ:ખ અનુભવીએ છીએ.”