ફોર્બ્સની યાદીમાં ફ્રાન્સના આ અબજોપતિએ ઇલોન મસ્કને પણ પછાડ્યા, જાણો અંબાણી-અદાણી કયા નંબરે..

વિશ્વના 10 સૌથી વધુ સંપત્તિ ધરાવતા અબજોપતિઓ(Richest Bilionaires)ની યાદીમાં ખાસ્સા સમયથી સ્થાન જમાવીને બેસેલા ઇલોન મસ્ક(Elon Musk)ને ફ્રાન્સના એક અબજોપતિએ પછડાટ આપી છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સના એક અહેવાલ મુજબ તેમની નેટવર્થમાં આવેલા જબરજસ્ત ઉછાળાને કારણે તેમણે ઇલોન મસ્કને પાછળ છોડી દીધા હતા. બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ (Bernard Arnault Networth) એક ઝટકામાં વધીને 207.6 અબજ ડોલર્સ થઇ ગઇ છે.
બર્નાર્ડ આર્નોલ્ટ ફ્રાન્સની દિગ્ગજ ફેશન બ્રાન્ડ લુઇ વિત્તોં (Louis Vuitton) ના ચેરમેન અને સૌથી મોટા શેર હોલ્ડર છે. તેમની કંપની LVMH પાસે 60 પેટાકંપનીઓની 75 લક્ઝરી બ્રાન્ડ્સ છે. LVMHના શેર્સમાં આ વખતે 7 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ફોર્બ્સ બિલિયોનેર્સ ઇન્ડેક્સ (Forbes Billionaires Index) મુજબ બર્નાર્ડ આર્નોલ્ટ 207.6 અબજ ડોલર્સની નેટવર્થ સાથે યાદીમાં હાલ પ્રથમ ક્રમાંકે છે. ઇલોન મસ્કની કંપની ટેસ્લાના શેર ગગડતા તેમની નેટવર્થને નુકસાન પહોંચ્યું હતું. ઇલોન મસ્કની નેટવર્થ 204.7 અબજ ડોલર્સ છે. બંને અબજોપતિઓ વચ્ચે 2.9 અબજ ડોલર્સનું અંતર છે.
આ યાદીમાં એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 181.03 અબજ ડોલર્સની નેટવર્થ સાથે ત્રીજા ક્રમે છે, તેમજ ચોથા ક્રમે ઓરેકલ સોફ્ટવેરના સ્થાપક લેરી એલિસન છે, જેમની નેટવર્થ 142.2 અબજ ડોલર્સ આંકવામાં આવી છે.
ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ 139.01 અબજ ડોલર્સની નેટવર્થ સાથે પાંચમા ક્રમે છે, એમના પછી વિશ્વના સૌથી મોટા રોકાણકાર ગણાતા 93 વર્ષના વોરેન બફેટ પોતાની 127.02 અબજ ડોલર્સની નેટવર્થ સાથે છઠ્ઠા ક્રમે છે. ગુગલના સ્થાપક લેરી પેજ 127.01 અબજ ડોલર્સની નેટવર્થ સાથે સાતમા ક્રમે, બિલ ગેટ્સ 122.09 અબજ ડોલર્સની સંપત્તિ સાથે આઠમા ક્રમે, લેરી પેજની સાથે મળીને ગુગલની સ્થાપના કરનાર સર્ગેઇ બ્રિન 121.07 અબજ ડોલર્સની સંપત્તિ સાથે નવમા ક્રમે તેમજ માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઇઓ સ્ટીવ વાલ્મર 118.08 અબજ ડોલર્સની સંપત્તિ સાથે દસમા ક્રમે છે.
ભારતીય ઉદ્યોગપતિઓની વાત કરીએ તો World’s Top Billionairesની યાદીમાં દેશની સૌથી મોંઘી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ પણ પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. તેઓ આ યાદીમાં 104.4 અબજ ડોલર્સની નેટવર્થ સાથે અગિયારમા ક્રમે છે તેમજ આ આંકડા સાથે તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તો બીજી તરફ ગૌતમ અદાણી 91.06 અબજ ડોલર્સની સંપત્તિ સાથે 14મા નંબર પર છે.