ઈમરાન ખાનની બહેનોને પાક. પોલીસ કરી ટોર્ચર, મુલાકાત અટકાવ્યા બાદ રાજનીતિ ગરમાઈ, જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે અને તેમનો જેલવાસ અનેક વિવાદોથી ઘેરાયેલો છે. પાકિસ્તાનના શક્તિશાળી સેના પ્રમુખ (ફીલ્ડ માર્શલ) આસિમ મુનીરનો વિરોધ કરવા બદલ તેમને મોટો રાજકીય પડકાર ઝીલવો પડી રહ્યો છે. તાજેતરમાં, ઈમરાન ખાનની બહેનોને તેમની સાપ્તાહિક મુલાકાત ન કરવા દેવાના મુદ્દે પરિસ્થિતિ વધુ વણસી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ છતાં જ્યારે બહેનને તેમના ભાઈને મળવા દેવામાં ન આવી, ત્યારે વિરોધ કરી રહેલા સમર્થકોને હટાવવા માટે પોલીસે જે રીતે કાર્યવાહી કરી તે ચર્ચાનો વિષય બની છે.
ઈસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ મુજબ, ઈમરાન ખાન દર મંગળવારે તેમના પરિવારના સભ્યોને મળી શકે છે. આ ક્રમમાં, ઈમરાન ખાનની બહેનો – નૌરીન ખાનમ નિયાઝી, અલીમા ખાનમ નિયાઝી અને ડો. ઉઝમા ખાનમ મંગળવારે બપોરે 3:30 વાગ્યે અદિયાલા જેલ પહોંચી હતી, પરંતુ તેમને જેલના ગેટથી 50 મીટર દૂર બેરિકેડ પાસે જ રોકી દેવામાં આવી હતી. સુરક્ષા વધારીને રાવલપિંડી પોલીસના સેંકડો જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા જેથી પીટીઆઈ (PTI)ના કાર્યકર્તાઓ વધુ સંખ્યામાં એકઠા ન થાય. આના વિરોધમાં ઈમરાન ખાનની બહેનો અન્ય કાર્યકર્તાઓ સાથે બેરિકેડ પાસે જ અનિશ્ચિતકાળ માટે ધરણા પર બેસી ગઈ હતી.
કડકડતી ઠંડી વચ્ચે જ્યારે તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ હતું, ત્યારે આશરે રાત્રે 2:20 વાગ્યે રાવલપિંડી પોલીસે ધરણા પર બેઠેલી ઈમરાન ખાનની બહેનો અને પીટીઆઈના કાર્યકર્તાઓને હટાવવા માટે લાઇટો કાપીને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. શેહબાઝ સરકારના આ પગલાનો હેતુ વિરોધીઓને વેરવિખેર કરીને ધરણા સ્થળ ખાલી કરાવવાનો હતો. આ બર્બરતામાં પીટીઆઈના કેટલાક કાર્યકર્તાઓને ઈજા પણ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન 2023થી અદિયાલા જેલમાં બંધ છે અને અગાઉ દર અઠવાડિયે તેમની બહેનોને મળવા દેવામાં આવતા હતા. પીટીઆઈ આ મુલાકાતો દ્વારા જ ઈમરાન ખાનનો સંદેશ જાહેર કરતી હતી.
ઈમરાન ખાને મે મહિનામાં આસિમ મુનીર ફીલ્ડ માર્શલ બન્યા પછી સાપ્તાહિક મુલાકાતોમાં શાહબાઝ શરીફની જગ્યાએ આસિમ મુનીર પર નિશાન સાધવાનું શરૂ કર્યું. તેમણે જનતાને સમજાવ્યું કે દેશનું સંચાલન આસિમ મુનીર કરી રહ્યા છે અને પાકિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન તેમજ ભ્રષ્ટાચારના મૂળમાં તેઓ છે. આ નિવેદનોથી સરકાર અને સેનાની બોખલાહટ વધી. આ કારણે 12 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી તેમની બહેનોને મળવા દેવામાં ન આવ્યા. 4 ડિસેમ્બરે માત્ર એક બહેન ડૉ. ઉઝમા ખાનમને મળવાની છૂટ મળી, પરંતુ તેમણે ઈમરાન ખાનનો મુનીર પર નિશાન સાધતો સંદેશ જાહેર કરતા જ બીજા દિવસે એટલે કે 5 ડિસેમ્બરે સરકારે મુલાકાતો પર ફરીથી પ્રતિબંધ મૂકી દીધો.
પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં ઈમરાન ખાનને ‘રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો’ અને ‘માનસિક દર્દી’ ગણાવ્યા, જેનાથી સ્પષ્ટ થયું કે મુલાકાત પર પ્રતિબંધનું મુખ્ય કારણ ઈમરાન ખાન દ્વારા આસિમ મુનીરને નિશાન બનાવવું છે.
આપણ વાંચો: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો…



