Top Newsઇન્ટરનેશનલ

AIથી નોકરી જવાનું જોખમ યથાવત: આ કંપનીએ 4,000થી વધુ કર્મચારીની છટણીનો લીધો નિર્ણય…

કેલિફોર્નિયા: ટેક્નોલોજીની દુનિયામાં ઝડપી પરિવર્તન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગને કારણે અનેક ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓની નોકરી જોખમમાં મુકાઈ છે. ખાસ કરીને IT સેક્ટર સાથે જોડાયેલા લોકોને મોટો ફટકો પડી રહ્યો છે. કારણ કે, IT સેક્ટરની વિશ્વની અગ્રણી કંપનીઓએ AIના કારણે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે. હવે આ છટણીમાં એક જાણીતી કમ્પ્યુટર મેન્યુફેક્ચરર કંપનીનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ કંપનીએ પોતાના 4,000 થી 6,000 કર્મચારીઓની છટણી કરવાનું નક્કી કર્યું છે.

કઈ કંપનીએ લીધો છટણીનો નિર્ણય

કમ્પુટર મેન્યુફેક્ચરિંગ કંપની HP Inc. એ એક મહત્ત્વપૂર્ણ પુનર્ગઠન યોજનાની જાહેરાત કરી છે. જેના હેઠળ કંપની 2028 સુધીમાં 4,000 થી 6,000 કર્મચારીઓની છટણી કરશે. કંપનીના આ નિર્ણય અંગે CEO એનરિક લોરેસના જણાવ્યું હતું કે, આ છટણી AI-આધારિત સિસ્ટમોને અપનાવવાના કારણે કરવામાં આવી રહી છે. આ સિસ્ટમો કામગીરીને વધુ ઝડપી, સચોટ અને ખર્ચ-અસરકારક બનાવશે.

મોટા ફેરફારથી કંપનીને આગામી ત્રણ વર્ષમાં આશરે $1 બિલિયન એટલે કે અંદાજે રૂ. 8,300 કરોડની બચત થશે. આ છટણીની સૌથી મોટી અસર પ્રોડક્ટ ડેવલપમેન્ટ, આંતરિક કામગીરી અને કન્ઝ્યુમર સપોર્ટ ટીમો પર પડશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ HP એ 1,000 થી 2,000 કર્મચારીઓની છટણી કરી હતી.

hp inc.

AI PCsની માંગ અને ચિપના વધતા ભાવ

HP એ જણાવ્યું કે, AI-પર્સનલ કમ્પ્યુટર્સ (AI PCs)ની માંગ ઝડપથી વધી રહી છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીના કુલ PCsમાંથી 30 ટકા AI PCs હતા. જોકે, આ વધતી માંગની બે ગંભીર અસરો જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ડેટા સેન્ટરોમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઊંચી માંગને કારણે DRAM અને NAND ચિપ્સના ભાવ સતત વધી રહ્યા છે. આ ભાવ વધારો HP, Dell અને Acer જેવી કંપનીઓના નફા પર નોંધપાત્ર દબાણ લાવી શકે છે. HP જણાવે છે કે ચિપના ભાવમાં વધારાની મોટી અસર 2026ના બીજા ભાગમાં અનુભવાશે. ભાવ વધારાને કારણે કંપનીએ નફો ઘટવાની આગાહી કરી હતી. આ આગાહીના પગલે કંપનીના શેર 5.5 ટકા ઘટ્યા હતા.

આ પણ વાંચો…20 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારી અભિનેત્રી રાતોરાત બની ગઈ ‘નેશનલ ક્રશ’, પણ AI અંગે વ્યક્ત કરી ચિંતા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button