H-1B વિઝા ધારકો જાણી લો આ ખાસ વાત, નહીંતર અમેરિકામાં પ્રવેશવું મુશ્કેલ બની જશે...

H-1B વિઝા ધારકો જાણી લો આ ખાસ વાત, નહીંતર અમેરિકામાં પ્રવેશવું મુશ્કેલ બની જશે…

વોશિંગ્ટન: જેઓ ખૂબ જ કુશળ છે અને અમેરિકન કંપનીઓમાં કામ કરે છે, તેઓને યુએસ સરકાર દ્વારા H-1B વિઝા આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં H-1B વિઝાને લઈને અમેરિકામાં રહેતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, ત્રણ H-1B વિઝા ધારકોને જ્યારે ભારતથી અમેરિકા પહોંચ્યા ત્યારે તેઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

H-1B વિઝા ધારકોને કેમ અટકાવાયા?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ત્રણ H1B ધારકોને અમેરિકામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે અને તેમના વિઝા રદ કરવામાં આવ્યા છે. કારણે કે ત્રણ પૈકીનો એક 2 મહિના અને 27 દિવસ તથા બાકીના બે 3 મહિનાથી વધુ સમય માટે ભારતમાં રોકાયા હતા. આવું કેમ કરવામાં આવ્યું એના વિશે યુ.એસ. સરકાર દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

H-1B વિઝા રદ થવાનું કારણ શું હોય શકે?
H-1B વિઝા કોઈપણ દેશના નાગરિકને અમેરિકામાં કાયમ રહેવાની ગેરંટી આપતા નથી. તે સામાન્ય રીતે ત્રણ વર્ષ માટે માન્ય હોય છે. તેની મુદ્દત છ વર્ષ સુધી વધારી શકાય છે. H-1B વિઝા ધારકોને 60 દિવસથી વધુ સમય માટે અમેરિકાની બહાર રહેતા અટકાવે એવો કોઈ નિયમ નથી. પરંતુ કોઈ વ્યક્તિ હજુ પણ તેમના વિઝાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે કે નહીં, એ નક્કી કરવાનો અધિકાર યુએસ સરહદ અધિકારીઓ પાસે છે. કોઈ દેશના નાગરિકનો વિઝા માન્ય હોય તો પણ તેઓ નક્કી કરી શકે છે, તે વ્યક્તિ હવે H-1B વિઝાને લાયક નથી.

H-1B વિઝા ધારકોએ શું કરવું જોઈએ?
જો તમે H-1B વિઝા ધારક છો અને અમેરિકાની બહાર 60 દિવસ કે તેથી વધુ સમય માટે જવાના છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમે યુએસ સ્થિત કંપનીમાં કામ કરી રહ્યા છો, તેના પૂરાવા તમારે સાથે રાખવા પડશે. તમે નોકરી છોડી નથી અને તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા નથી. જ્યાં પ્રી-સ્ક્રીનિંગ પહેલાથી જ થઈ ગયું છે એવા એરપોર્ટ પર આ બતાવવું પડશે.

તેથી થઈ શકે તો 60 દિવસથી વધુ સમય માટે અમેરિકાની બહાર અન્ય કોઈ દેશમાં ન રહો. જોબ ઓફર લેટર, પગાર સ્લિપ સહિતના જરૂરી તમામ પ્રકારના દસ્તાવેજો સાથે રાખો. પ્રી-સ્ક્રીનિંગ થતું હોય એવા અબુ ધાબી, ડબલિન, ટોરોન્ટો જેવા એરપોર્ટ પર રોકાવાનું ટાળો. I-797 મંજૂરી ફોર્મ, ટેક્સ રેકોર્ડ અને કાનૂની સોગંદનામા જેવા સહાયક દસ્તાવેજો પણ તમારી સાથે રાખો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button