તાઇવાનના એક રેલવે સ્ટેશન પર ગ્રેનેડ અને છરી વડે થયો હુમલો, 9 ગંભીર રીતે ઘાયલ…

તાઇપેઈ: તાઇવાનની રાજધાની તાઇપેઇમાં એક રેલવે સ્ટેશન પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. રેલવે સ્ટેશન પર ગ્રેનેડ અને છરીના હુમલામાં ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા છે. શહેરના મુખ્ય રેલવે સ્ટેશન નજીક તાઇપેઇ મુખ્ય સબવે સ્ટેશન પર એક શંકાસ્પદ વ્યક્તિ સ્મોક ગ્રેનેડ ફેંકતો જોવા મળ્યો હોવાનું મીડિયા અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે. આ હુમલાના કારણે ઘટના સ્થળ પર નાસભાગ મચી જવા પામી હતી. એક શંકાસ્પદે તાઇપેઇ મુખ્ય સબવે સ્ટેશન પર સ્મોક ગ્રેનેડ ફેંકીને અને છરી બતાવીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના વીડિયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યાં છે.
શંકાસ્પદ વ્યક્તિ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર દોડતો દેખાયો
મીડિયા અહેવાલ પ્રમાણે એક શંકાસ્પદ વ્યક્તિ એક સ્ટોપ પર સબવેમાં સવારી કરીને સ્ટેશનની બહાર નીકળ્યો અને શેરીમાં વધુ સ્મોક ગ્રેનેડ ફેંક્યા, પછી છરી કાઢી અને પસાર થતા લોકો પર છરી વડે હુમલો કરી દીધો હતો. વાયરલ વીડિયોમાં શંકાસ્પદ વ્યક્તિ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર દોડતો જોવા મળ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે ઘટનાસ્થળે એક વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના મામલે હજી પોલીસ દ્વારા સત્તાવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
આરોપીએ એક દુકાનમાં પણ ઘૂસી ગયો હતો, જેના કારણે નજીકમાં હાજર લોકો ચીસો પાડવા લાગ્યા અને ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકો ઘાયલ થયાં હોવાના જાણકારી મળી છે. જો કે, કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. સરકાર દ્વારા આ ઘટના અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.

હુમલાની ઘટના અંગે તાઇવાનના વડા પ્રધાને આપી પ્રતિક્રિયા
તાઇવાનના વડા પ્રધાન ચો જંગ-તાએ આ ઘટના અગં કહ્યું કે, ઘાયલોમાં એક રાહદારી પણ હતો જે હુમલા પછી જમીન પર પડી ગયો હતો અને હોસ્પિટલ પહોંચતા પહેલા તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ધુમાડામાં શ્વાસ લેવાને કારણે અન્ય એક વ્યક્તિને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ હતી. ઘટના સમયે શંકાસ્પદ વ્યક્તિએ માસ્ક પહેર્યો હતો. જો કે, અધિકારીઓ તેની શોધ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ટ્રેન અને મેટ્રો સ્ટેશનો પર સુરક્ષા વધુ કડક બનાવવા સૂચના આપવામાં આવી છે.



