કતારમાં 8 ભારતીયોને ફાંસી અંગે એક્શનમાં આવી ભારત સરકાર, લીધું આ પગલું

કતારમાં આઠ ભારતીયોને અપાયેલી મોતની સજા મામલે આખરે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ કેસમાં ભારત સરકાર દ્વારા આગળ અપીલ કરવામાં આવી છે. જો કે આ નિર્ણય ગોપનીય છે આથી તેને જાહેર કરી શકાશે નહિ. કાયદાકીય ટીમ સાથે અપીલ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. અમે કતારના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
ઓક્ટોબરમાં કતારની એક અદાલતે ભારતીય નૌકાદળના આઠ પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી હતી, તેઓ એક વર્ષ કરતા વધારે સમયથી કતારની જેલમાં કેદ હતા. તેમના પરિવારજનોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી હતી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર 7 નવેમ્બરે તેમને કોન્સ્યુલર એક્સેસ મળ્યુ. તેઓ અધિકારીઓના પરિવારજનોના સંપર્કમાં છે તમામ કાયદાકીય બાબતોની તેમને મદદ મળી રહે તેવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ તેવું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
ઓગસ્ટ 2022માં કતારની પોલીસે આઠ પૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને તેઓ ઇઝરાયલ માટે જાસૂસી કરતા હોવાનો આરોપ મુકીને ધરપકડ કરી લીધી હતી. આ પછી તેમની સામે કોર્ટમાં કેસ ચાલ્યો, અધિકારીઓએ જામીન અરજી પણ કરી હતી પરંતુ તેમની અરજીઓ સતત ફગાવી દેવામાં આવી. એક વર્ષ બાદ કતારની નીચલી અદાલતે તેમને ફાંસીની સજા ફટકારી છે.