પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, 28 લોકોના મોત, 11 લોકો ઘાયલ

કરાચી: આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં અવારનવાર લોહી રેડાતું રહે છે, આજે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં દર્દનાક માર્ગ અકસ્માત થતા 28 લોકોના મોત થયા છે. એક પેસેન્જર બસ પલટી ખાઈને ખીણમાં ખાબકતા બાળકો અને મહિલાઓ સહિત 28 લોકોના મોત થયા છે. આ પેસેન્જર બસ તુર્બતથી બલુચિસ્તાનની રાજધાની ક્વેટા જઈ રહી હતી.
ક્વેટાથી લગભગ 700 કિમી દૂર બાસુક શહેર નજીક બસ ખાઈ ખાબકી હતી, આ દુર્ઘટના માટે બસની તેજ ગતિ જવાબદાર મનાય છે. બસનો ડ્રાઈવર બસ પરનો કાબુ ગુમાવી બેસતા આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બસનું ટાયર ફાટતા પેસેન્જર બસનો ડ્રાઈવર કાબુ ગુમાવતા બસ અચાનક જ ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 28 લોકોના મોત તથા લગભગ 22 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે બસિમાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતના સમાચાર મળ્યા બાદ મૃતકોના પરિવારજનોમાં હાહાકાર મચી ગયો હતો.