G7 અને યુરોપના દેશ રશિયા માટે બંધ કરશે દરિયાઈ રસ્તો! ભારત પર શું થશે અસર?

યુરોપિયન યુનિયન અને G7 દેશો રશિયાના ક્રૂડ ઓઇલના દરિયાઈ પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાનો વિચાર કરી રહ્યા છે. આ પ્રતિબંધની કાર્યવાહીથી રશિયાને આર્થિક રીતે મોટો ફટકો પડવાની શક્યતા છે. જો આ નિર્ણય લેવાશે, તો રશિયન તેલ પર લાગુ કરાયેલી વર્તમાન $60 પ્રતિ બેરલની પ્રાઇસ લિમિટ સિસ્ટમ આપોઆપ સમાપ્ત થઈ જશે, જે આ કાર્યવાહીને વધુ કડક બનાવશે. આ પગલાં યુક્રેન-રશિયા સંઘર્ષના સંદર્ભમાં રશિયા પર દબાણ વધારવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
રશિયા તેની ક્રૂડ ઓઇલની નિકાસનો લગભગ ત્રીજા ભાગનો જથ્થો પશ્ચિમી દેશોના જહાજો દ્વારા કરે છે, જેમાંથી મોટા ભાગનું તેલ ભારત અને ચીન જેવા દેશોમાં જાય છે. નવા પ્રતિબંધો લાગુ થતાં જ પશ્ચિમી દેશોના જહાજોને રશિયાનું તેલ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવશે. આના પરિણામે રશિયાએ મજબૂરીમાં ‘શેડો ટેન્કર્સ’નો ઉપયોગ વધારવો પડશે. વળી, રશિયા પશ્ચિમી દેશોની વીમા કંપનીઓ સાથે પણ કરાર કરી શકશે નહીં, જે આંતરરાષ્ટ્રીય તેલ વેપાર માટે ખૂબ જ જરૂરી છે. આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય લેવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા નિર્ણાયક રહેશે, કારણ કે તેઓ યુક્રેન અને રશિયા વચ્ચે મધ્યસ્થીના પ્રયાસો કરી રહ્યા છે.
આ પણ વાંચો: ‘…. તો અમે યુદ્ધ માટે તૈયાર છીએ.’ પુતિને યુરોપિયન દેશોને આપી ખુલ્લી ચેતવણી…
નોંધનીય છે કે 2022માં G7 (યુએસ, યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન) એ રશિયન તેલની આયાત પર કડક નિયમો લાદ્યા હતા. સંપૂર્ણ આયાત બંધ કરવાને બદલે, G7 એ રશિયાના તેલ પર $60 પ્રતિ બેરલની પ્રાઇસ કેપ લગાવી હતી. જો રશિયા તેલનો ભાવ આ મર્યાદાથી નીચે રાખે, તો જ તેને પશ્ચિમી જહાજ અને વીમા સેવાઓ મળતી રહે. આ નીતિથી રશિયાને નુકસાન તો થયું, પરંતુ તેનું તેલ વેચાતું બંધ નહોતું થયું. હવે, સંપૂર્ણ દરિયાઈ પ્રતિબંધ લાદીને આ દેશો રશિયાને વધુ આર્થિક નુકસાન પહોંચાડવા માંગે છે.
અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવા માટે રશિયાએ ‘શેડો ટેન્કર્સ’ દ્વારા તેલની નિકાસમાં વધારો કર્યો છે. ‘શેડો ફ્લીટ’ અથવા ‘શેડો ટેન્કર્સ’ એવા જહાજો છે જે કોઈ નિયમ કે વીમા વિના, ગુપ્ત રીતે તેલનું પરિવહન કરે છે. આ જહાજોની માલિકીની માહિતી ઘણીવાર અસ્પષ્ટ હોય છે, અને ઇરાન તેમજ વેનેઝુએલા જેવા દેશો પણ આ જ રીતે તેલ વેચે છે. એક અંદાજ મુજબ, રશિયા પાસે આવા 1,423 જેટલા જહાજો છે અને હાલમાં રશિયાની કુલ તેલ નિકાસમાં 44% હિસ્સો આ શેડો ટેન્કર્સનો છે, જ્યારે 38% નિકાસ હજી પણ G7, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના ટેન્કરો દ્વારા થાય છે. નવા પ્રતિબંધો લાગુ થતાં, આ 38% નિકાસ પર સંપૂર્ણપણે રોક લાગી જશે, જેનાથી રશિયાને મોટો આંચકો લાગશે.
આ પણ વાંચો: ભારત-રશિયા વચ્ચે ડિફેન્સ ડીલ થઈ કે નહીં? એક્સપર્ટે જણાવ્યું જાહેરાત ન કરવાનું કારણ…
તાજેતરમાં જ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતની મુલાકાત લીધી હતી અને તેમણે મીડિયાને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે રશિયા કોઈ પણ અડચણ વિના ભારતને ઓઇલ પૂરું પાડતું રહેશે. ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં સસ્તા દરે ક્રૂડ ઓઇલ આયાત કરી રહ્યું છે. જો G7 અને યુરોપના દેશો આ નવા અને કડક પ્રતિબંધો લાદશે, તો ભારત આવતા તેલના પુરવઠા અને તેની કિંમત પર શું અસર થશે તે જોવું રહ્યું. શું રશિયા ભારતને ‘શેડો ફ્લીટ’ દ્વારા અવિરત સપ્લાય ચાલુ રાખી શકશે, કે પછી આ પ્રતિબંધો ભારતની તેલ આયાત નીતિ માટે પણ પડકારરૂપ બનશે?



