હમાસ દ્વારા 6 બંધકોની હત્યાથી ભડક્યું અમેરિકા, બાયડને કહ્યું ‘હમાસે ચૂકવવી પડશે કિંમત’

જેરૂસલેમ: ગાઝામાં હમાસના આતંકવાદીઓ દ્વારા છ ઈઝરાયેલ-અમેરિકન બંધકોની હત્યા કરવામાં આવી છે અને આ તમામમાં મૃતદેહોને ઈઝરાયેલી સેનાને મળી આવ્યા છે. ઇઝરાયેલ-અમેરિકન યુવક હેર્શ ગોલ્ડબર્ગ-પોલીનના માતા-પિતાએ આજે સવારે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં તેમના પુત્રને બંધક બનાવીને આતંકવાદીઓએ તેમની હત્યા કરી દીધી છે.
23 વર્ષીય ગોલ્ડબર્ગ-પોલીનની મુક્તિ માટે તેમના માતાપિતા દ્વારા ચલાવવામાં આવી રહેલી એક લડત પર પાણી ફળી વળ્યું છે. તે માટે તેમણે વિશ્વના અનેક નેતાઓની સાથે મુલાકાતો કરી હતી. તેમણે છેલ્લા મહિને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપીને પણ મદદની માંગ કરી હતી. આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે હમાસે તેની કિંમત ચૂકવવી પડશે.
ગયા વર્ષે દક્ષિણ ઇઝરાયેલમાં હમાસના આતંકવાદીઓએ એક સંગીત ઉત્સવ પર હુમલો કરીને ગોલ્ડબર્ગ-પોલીન સહિત અન્ય લોકોને બંધક બનાવી લીધા હતા. કેલિફોર્નિયાના બર્કલેમાં થયેલા ગ્રેનેડ હુમલામાં ગોલ્ડબર્ગ-પોલીન નામના વ્યક્તિએ તેનો ડાબો હાથ ગુમાવ્યો હતો.
એપ્રિલમાં હમાસ દ્વારા રિલીઝ કરવામાં આવેલા એક વીડિયોમાં તે ખૂબ જ પીડાદાયક સ્થિતિના બોલતો જોવા મળ્યો હતો, જેમાં તેનો ડાબો હાથ ગાયબ જોવા મળ્યો હતો. ત્યારબાદ ઇઝરાયેલમાં બંધકોની મુક્તિની માંગ સાથે નવા વિરોધ પ્રદર્શનો થયા હતા.
આ પણ વાંચો: હમાસના આતંકવાદી સંગઠનના નેતાએ અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું કે….
ગોલ્ડબર્ગ-પોલીન સહિત છ બંધકોની હત્યા બાદ અન્ય બંધકોને સુરક્ષિત રીતે ઘરે લાવવાની ખાતરી કરવા માટે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર દબાણ વધશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જો કે આ મુદ્દે સમાધાનને લઈને નેતન્યાહુએ કડક વલણ દાખવ્યું હતું અને બંધકોને પરત લાવવા માટે સૈન્ય કાર્યવાહીની માંગ કરી હતી.
ગોલ્ડબર્ગ-પોલીનના માતા-પિતાને મળેલા યુએસ પ્રમુખ જો બાયડને કહ્યું હતું કે તેઓ “ખૂબ જ દુઃખી અને રોષે ભરાયેલા છે.” આ સાથે જ તેમણે કહેલું કે આ જેટલું દુખદ છે તેટલું જ નીંદનીય છે. હમાસના નેતાઓએ આ ગુનાઓની કિંમત ચૂકવવી પડશે. અન્ય બંધકોને મુક્ત કરવા માટે અમે દિવસ-રાત કામ કરતા રહીશું.”
ગોલ્ડબર્ગ-પોલીનના પરિવારે ગાઝા પટ્ટીમાં એક ટનલમાંથી છ બંધકોના મૃતદેહો મળી આવ્યા બાદ અને મૃતકોની ઓળખ જાહેર કર્યા બાદ તેમના મૃત્યુની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું હતું. હેર્શ ગોલ્ડબર્ગ-પોલીનનો મૃતદેહ પણ તેમાં મળી આવ્યો છે. ત્યારબાદ પરિવારે તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ગોલ્ડબર્ગ-પોલીન પરિવાર ભારે હૃદય સાથે તેમના વ્હાલાસોયા બાળક હેર્શના મૃત્યુની પુષ્ટિ કરે છે.”