માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ અચાનક દેશ છોડી ઘાના શિફ્ટ થયા, કહ્યું ‘થોડા વર્ષ અહી જ રહીશ’

માલદીવમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ દરમિયાન એવા સમાચાર બહાર આવી રહ્યા છે કે તાજેતરમાં જ સક્રિય રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરનારા માલદિવના પૂર્વ રાષ્ટ્રપતિ નશીદ ઘાના શિફ્ટ થઈ ગયા છે.
નશીદે (56)એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ ક્લાઈમેટ વલ્નરેબલ ફોરમ (CVF – કલાઇમેટ ચેન્જ માટે કામ કરતી સંસ્થા)ના જનરલ સેક્રેટરી તરીકે કામ શરૂ કરવા ઘાનાની રાજધાની અકરા પહોંચ્યા છે. તેમણે કહ્યું કે CVFનું સચિવાલય ઘાનામાં છે અને આગામી કેટલાક વર્ષો સુધી ઘાના મારું ઘર હશે. અમને આ સેક્ટરમાં રોકાણ કરવાની આશા છે જેથી CVF સભ્યો તેમના હેતુમાં અસરકારક સાબિત થઈ શકે.
આપને જણાવી દઈએ કે નશીદ 2008 થી 2012 સુધી માલદીવના રાષ્ટ્રપતિ હતા. તેઓ 2019 થી 2023 સુધી માલદીવની સંસદના સ્પીકર પણ હતા. નશીદના ઘાનામાં સ્થળાંતર મામલે, સંસદનું કહેવું છે કે તેઓ સંસદને જાણ કર્યા વગર અસ્થાયી રૂપે ઘાનામાં શિફ્ટ થયા છે. સંસદના સંચાર નિર્દેશક હસન ઝિયાઉને ટાંકીને રિપોર્ટમાં જણાવાયું છે કે નશીદે હજુ સુધી અમને જણાવ્યું નથી કે તેઓની સંસદમાં કેવા પ્રકારની જવાબદારીઓ નિભાવવાની યોજના છે.
ઝિયાઉએ કહ્યું કે નશીદે સંસદમાંથી રજા માટે અરજી કરી નથી અને તેઓ તેમના કાર્યકાળના બાકીના ત્રણ મહિના માટે તેમનો પગાર મેળવતા રહેશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને નશીદે જાહેરાત કરી હતી કે તેઓ CVFના જનરલ સેક્રેટરી તરીકેની જવાબદારીઓ નિભાવવા માટે સક્રિય રાજકારણથી થોડા સમય માટે અંતર બનાવી રહ્યા છે.