બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ; જાણો સુપ્રીમ કોર્ટે કેમ સંભળાવી આકરી સજા | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ; જાણો સુપ્રીમ કોર્ટે કેમ સંભળાવી આકરી સજા

બ્રાઝિલિયા: હાલ દુનિયાના ઘણા દેશોમાં મોટા રાજકીય બદલાવો થઇ રહ્યા છે, નેપાળમાં યુવા પ્રદર્શનકારીઓએ સત્તા ઉથલાવી દીધી છે, જાપાનના વડાપ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી છે, ફ્રાંસમાં પણ સરકાર વિરોધી પ્રદર્શનો થઇ રહ્યા છે. એવામાં બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે ગુરુવારે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા (Jair Bolsonaro sentenced in prison) ફટકારી છે.

જાયર બોલ્સોનારો 2019 થી 2022 સુધી બ્રાઝિલના રાષ્ટપતિ રહ્યા હતાં. વર્ષ 2022માં ડાબેરી લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે ચૂંટણી હારી ગયા બાદ સત્તા પાછી મેળવવા બળવાનું કાવતરું ઘડવાના ગુનામાં તેમને દોષી ઠેરવવામાં આવ્યો છે.

બોલ્સોનારો કુલ પાંચ ગુનામાં તેઓ દોષિત ઠર્યા છે, કુલ મળીને તેમને 43 વર્ષની સજા થઇ શકે છે, પરંતુ 70 વર્ષીય બોલ્સોનારોની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટે સજામાં રાહત આપીને 27 વર્ષ અને 3 મહિના કરી છે. ચુકાદાને પાંચમાંથી ચાર ન્યાયાધીશોએ સમર્થન આપ્યું છે, હવે બોલ્સોનારોને બાકીનું જીવન જેલમાં વિતાવવું પડી શકે છે.

હત્યાનું કાવતરું ઘડ્યું:

બોલ્સોનારો બ્રાઝિલની સેનામાં કેપ્ટન રહી ચુક્યા છે. બોલ્સોનારો સત્તા પર હતાં ત્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન મળતું રહ્યું હતું. ચૂંટણી હાર્યા બાદ બોલ્સોનારોએ વર્ષ 2023 ની શરૂઆતમાં લુલા, તેમના ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિન અને સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

બોલ્સેનારોનો વિવાદિત કાર્યકાળ:

2016માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડિલ્મા રૂસેફને મહાભિયોગથી હટાવ્યા બાદ બોલ્સોનારો લાઈમ લાઈટમાં આવ્યા હતાં. વર્ષ 2018 માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચાર દરમિયાન, તેમના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, પેટમાં ગંભીર ઘા થયા છતાં તેમનો જીવ બચી ગયો હતો.

તેમના સાશનકાળ દરમિયાન બોલ્સોનારોને “ટ્રમ્પ ઓફ ધ ટ્રોપિક્સ” તરીકે ઓળખવામ આવતા હતાં, કોવિડ-19 પાનડેમિક દરમિયાન તેમણે મોટા પ્રમાણમાં થયેલા મોતના આંકડા છુપાવ્યા હતાં અને એમેઝોનના જંગલોની મોટા પાયે કાપણી કરવામાં આવી હતી, જેના કારણે લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.

સત્તા પલટાનો નિષ્ફળ પ્રયાસ:

વર્ષ 2022માં યોજાયેલી ચૂંટણીમાં તેમને હાર મળી, તેમનો કાર્યકાળ પૂર્ણ થાય એના બે દિવસ પહેલા બ્રાઝિલ છોડીને યુએસના ફ્લોરિડા નાસી ગયા. એક અઠવાડિયા પછી, 8 જાન્યુઆરી, 2023 ના રોજ ચૂંટાયેલા લુલાને હાંકી કાઢવા માટે બોલ્સોનારો સમર્થકોએ રાષ્ટ્રપતિ નિવાસ, સંસદ અને સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો, પરંતુ આ બળવો નિષ્ફળ નીવડ્યો હતો. ત્યાર બાદ બોલ્સોનારો પર હિંસા ભડકાવવાના આરોપ સાથે કેસ ચલાવવામાં આવ્યો હતો.

વિવાદાસ્પદ નિવેદનો માટે કુખ્યાત;

બોલ્સોનારોને બ્રાઝિલના રાજકારણમાં પ્રભાવશાળી “બાઇબલ, બુલેટ્સ અને બીફ” ગઠબંધનનો ટેકો મળ્યો હતો. આ જૂથ ઇવેન્જેલિકલ ક્રિશ્ચિયન અને કટ્ટરપંથીઓનું બનેલું છે. બોલ્સેનારો અનેક વાર સમલૈંગિક અધિકાર વિરોધી, સ્ત્રી વિરોધી અને રેસિસ્ટ ટિપ્પણીઓ કરો ચુક્યા છે. બ્રાઝિલની ચૂંટણી પ્રણાલી વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ તેમના પર 2030 સુધી જાહેર પદ સંભાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે બળવા સંબંધિત પાંચ આરોપો પર તેમનો દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેઓ હજુ પણ અપીલ કરી શકે છે.

આ પણ વાંચો….થોડા કલાકો માટે દુનિયાના સૌથી ધનિક બની ગયેલા લેરી એલિસન વિશે આ જાણો છો?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button