પાકિસ્તાનમાં પૂર: રક્ષા પ્રધાને ભારત પર ઢોળ્યો દોષનો ટોપલો, પાકિસ્તાનીઓમાં જ બન્યા હાંસીપાત્ર

સિયાલકોટ: સિંધુ જળ સંધિ હેઠળ ભારત-પાકિસ્તાન વચ્ચે મોટી માત્રામાં પાણી સંબંધિત આંકડાઓનું આદાન-પ્રદાન કરવામાં આવતું હતું, પરંતુ પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ અટકાવી દીધી છે. જોકે, તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ, સિયાલકોટ અને અન્ય વિસ્તારોમાં આવેલા ભારે પૂરથી જનજીવન ખોરવાયું છે. આ પૂર માટે પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે ભારતને જવાબદાર ગણાવ્યું છે.
ખ્વાજા મોહમ્મદનું વિચિત્ર નિવેદન
પૂરથી પ્રભાવિત સિયાલકોટની મુલાકાત દરમિયાન રક્ષા પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે ભારતને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય સૂત્રો પાસેથી મળતી મુજબ ભારત પર આક્ષેપ કરતા ખ્વાજા મોહમ્મદે જણાવ્યું કે, “ભારતથી છોડાયેલા પૂરના પાણીની સાથે લાશ, પશુઓ અને કાટમાળના ઢગલાઓ પાકિસ્તાનમાં આવી ગયા છે. જેના કારણે આ કાટમાળ સ્થાનિક પ્રશાસનના રાહત કાર્યોમાં અડચણરુપ બની રહ્યા છે.”
ભારતે બે વાર સૂચના આપી
આસિફે આગળ જણાવ્યું કે, “સિયાલકોટ, જમ્મુથી આગળ વધનારા જળમાર્ગો નીચે સ્થિત છે અને જ્યારે પણ ભારત પાણી છોડે છે, ત્યારે ત્યાં નિયમિતપણે પૂર આવે છે. જોકે, ભારતે નદીમાંથી પાણી છોડતા પહેલા પાકિસ્તાનને બે વાર સૂચના આપી હતી.”
ખ્વાજા આસિફનું આ નિવેદન પાકિસ્તાની સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે, સરકાર પોતાની તૈયારીઓ અને પાયાના માળખાની નિષ્ફળતાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે ભારત પર આરોપ લગાવી રહી છે. કેટલાક લોકોએ વ્યંગ કરતા જણાવ્યું કે, પૂર પાણીથી આવે છે, લાશોથી નહીં.
પાકિસ્તાનમાં પૂરના કારણે ગંભીર પરિસ્થિતિ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં પૂરના કારણે અત્યાર સુધી 800થી વધુ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યા છે. 12 લાખથી વધુ લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે. 2.5 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લગભગ 1,432 ગામ પૂરથી પ્રભાવિત થયા છે.
આ ઉપરાંત ખેતરમાં લહેરાતા પાક પર પાણી ફરી વળ્યું છે. નોકરી-ધંધો ઠપ્પ થઈ ગયો છે. હજારો પરિવારો રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે. સરકાર તરફથી 700 રાહત શિબિરો અને 265 તબીબી શિબિરો શરૂ કરવામાં આવ્યા છે. જોકે, તેમ છતાં જમીની સ્તરની પરિસ્થિતિ વધારે ગંભીર બની રહે છે.
આ પણ વાંચો…પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી, 800થી વધુ લોકોના મોત