ઇન્ટરનેશનલનેશનલ

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર અચાનક પૂર અને ભૂસ્ખલનથી 26નાં મોત

પડાંગઃ ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ભારે વરસાદના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલન થયા બાદ પાણી ઓસરવાનું શરૂ થતા બચાવકર્મીઓએ વધુ મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત અને ૧૧ લોકો ગુમ હોવાનું અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.

ચોમાસાના વરસાદ અને નદીઓમાં પાણી વધવાને કારણે પશ્ચિમ સુમાત્રા પ્રાંતના નવ જિલ્લાઓ અને શહેરો ડૂબી ગયા છે. શુક્રવારની મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનથી નદીના કાંઠા તૂટી ગયા હતા અને પેસીસિર સેલાટન જિલ્લાના ડુંગરાળ ગામોમાં પૂર આવ્યું હતું. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ જણાવ્યું હતું કે તેઓને વીજ પુરવઠો, ક્ષતિગ્રસ્ત પુલ અને કાટમાળથી અવરોધિત રસ્તાઓને કારણે અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત પેસીસિર સેલાટન અને પડોશી પડાંગ પરિયમન જિલ્લાના ગામોમાંથી બચાવકર્મીઓએ વધુ મૃતદેહો બહાર કાઢ્યા હતા. જેનાથી મૃત્યુઆંક વધીને ૨૬ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી ૧૪ મકાનો ધરાશાયી થયા હતા અને બે ગ્રામજનો ઘાયલ થયા હતા. બચાવકર્મીઓ હજુ પણ ગુમ થયેલા ૧૧ લોકોને શોધી રહ્યા છે.

મુહરીએ કહ્યું કે પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં ચોમાસાના વરસાદમાં ૩૭,૦૦૦થી વધુ ઘરો અને ઇમારતો જળમગ્ન થઇ છે. અચાનક આવેલા પૂરમાં ત્રણ મકાનો ધોવાઇ ગયા હતા અને ૬૬૬ અન્ય મકાનોને પણ નુકશાન થયું હતું.

એજન્સીએ જણાવ્યું હતું કે ૨૬ પુલ, ૪૫ મસ્જિદો અને ૨૫ શાળાઓને નુકશાન થયું છે. જ્યારે ૧૩ રસ્તાઓ અચાનક પૂરથી નાશ પામ્યા છે. આ ઉપરાંત સિંચાઇ પ્રણાલીના બે એકમોને પણ અસર થઇ છે. જેના પરિણામે ૧૧૩ હેક્ટર(૨૭૯ એકર) વિસ્તારમાં ફેલાયેલા ૩૦૦ ચોરસ મીટર(૩,૨૨૦ ચોરસ ફૂટ) ચોખાના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button