સાઉદી અરેબિયાની યુએઈ સમર્થિત લડાયકો પર એરસ્ટ્રાઈક, 20 ના મોત

ખાડી દેશોના બે સૌથી શક્તિશાળી સ્તંભ ગણાતા સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના સંબંધોમાં અત્યાર સુધીનો સૌથી મોટો વળાંક આવ્યો છે. જે દેશો અત્યાર સુધી યમનમાં ખભેખભા મિલાવીને લડતા હતા, તેઓ હવે એકબીજાના લોહીના તરસ્યા બન્યા હોય તેવું જણાય છે. યમનની ધરતી પર વર્ચસ્વ જમાવવાની આ લડાઈ હવે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં અસ્થિરતાનો માહોલ પેદા થયો છે.
તાજેતરમાં, શુક્રવાર 2 જાન્યુઆરીના સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને યમનના હદરામૌત પ્રાંતમાં જોરદાર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલા યુએઈ સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) ના કેમ્પ પર કરવામાં આવ્યા હતા. આ એરસ્ટ્રાઈકમાં એસટીસીના 20 થી વધુ લડાયકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. સાઉદીએ દાવો કર્યો છે કે આ સંગઠન ગઠબંધનના નિયમોનું ઉલ્લંઘન કરીને હથિયારો એકઠા કરી રહ્યું હતું, જેના જવાબમાં આ કાર્યવાહી જરૂરી હતી.
સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચેના વિવાદના મૂળમાં યમનનું ભવિષ્ય છે. વર્ષ 2015 થી યમનમાં ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓ સામે લડવા માટે બંને દેશો સાથે હતા. પરંતુ, સાઉદી અરેબિયા આખા યમનને એક રાખવા માંગે છે, જ્યારે યુએઈ દક્ષિણ યમનને અલગ દેશ બનાવવા માંગતા ‘એસટીસી’ ગ્રુપને સમર્થન આપી રહ્યું છે. હદરામૌત જેવા તેલ સમૃદ્ધ વિસ્તારો પર કબજો મેળવવાની હોડને કારણે બંને દેશો વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે, જે હવે હિંસક અથડામણમાં પરિણમી છે.
સાઉદી અરેબિયાએ અગાઉ યુએઈને તેના સૈનિકો હટાવવા અને અલગતાવાદીઓને સમર્થન આપવાનું બંધ કરવા 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ સાઉદી વાયુસેનાએ બે મિલિટરી બેઝ પર બોમ્બમારો કર્યો હતો. બીજી તરફ, યુએઈએ આ હુમલાને ‘વિશ્વાસઘાત’ ગણાવ્યો છે. યુએઈનું કહેવું છે કે સાઉદીએ શાંતિપૂર્ણ મધ્યસ્થીના નામે દગો કરીને હુમલો કર્યો છે. આ વધતા તણાવને કારણે યમનમાં માનવીય સંકટ વધુ ઘેરી બનવાની ભીતિ છે.
સાઉદી અને યુએઈ બંને વિશ્વના મોટા તેલ ઉત્પાદક દેશો છે. તેમની વચ્ચેની આ દુશ્મનીનો સીધો ફાયદો ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓને મળી શકે છે. જો આ જંગ આગળ વધશે તો લાલ સમુદ્ર (Red Sea) ના વેપારી માર્ગો પ્રભાવિત થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. યમનના સામાન્ય લોકો જેઓ પહેલેથી જ ભૂખમરો અને ગૃહયુદ્ધથી પીડિત છે, તેમના માટે આ નવી જંગ વધુ મુસીબતો લઈને આવી છે.
આ પણ વાંચો…મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો, સાઉદી અરેબિયાએ યુએઇના જહાજ પર હુમલો કર્યો



