એપસ્ટીન ફાઈલ્સ: ટ્રમ્પના ફોટા સાથેની ફાઈલ્સ અચાનક ગાયબ! શું છુપાવવામાં આવી રહ્યું છે?

વોશિંગ્ટન ડીસી: ગત શુક્રવારે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ(DoJ)એ એપસ્ટીન સેક્સ નેટવર્ક સાથે જોડાયેલી ફાઈલ્સ જાહેર કરી હતી, જેમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહીત દુનિયાની સંખ્યાબંધ જાણીતી હસ્તીઓના એપસ્ટીન સાથે સંબંધો દર્શાવતા ફોટોગ્રાફ્સ અને ડોકયુમેન્ટ્સ જાહેર કરવામાં આવ્યા હતાં. એવામાં DoJના પબ્લિક વેબપેજ પરથી ટ્રમ્પના ફોટોગ્રાફ ધરાવતી એક ફાઈલ સહીત કુલ 16 ફાઇલો ગાયબ થઈ જતાં શંકા-કુશંકા ઉઠી રહી છે. ડેમોક્રેટીક પક્ષના સાંસદોએ સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર સવાલ ઉભા કર્યા છે.
અહેવાલ મુજબ જે ફાઈલ્સ વેબપેજ પરથી ગાયબ થઇ છે, એ ફાઈલ્સ શુક્રવારે ઉપલબ્ધ હતી, પરંતુ શનિવારે અચાનક વેબપેજ પરથી અદ્રશ્ય થઇ ગઈ હતી. અહેવાલ મુજબ આ ફાઈલ્સમાં નિર્વસ્ત્ર મહિલાઓ ચિત્રો અને ફોટોગ્રાફ્સ હતાં. જેમાંથી એક ફોટોગ્રાફમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એપસ્ટીન, મેલાનિયા ટ્રમ્પ અને એપ્સટિનની સાથે ઘિસ્લેન મેક્સવેલ સાથે દેખાઈ રહ્યા હતાં.
ટ્રમ્પને વાચાવવાનો પ્રયાસ?
આ ફાઈલ્સ હટાવી લેવા અંગે DoJએ તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ ફાઈલ્સ હટાવવા પાછળ શું કારણ હોઈ શકે છે અંગે તર્ક વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે. આરોપ લાગી રહ્યા છે, ટ્રમ્પ અને અન્ય શક્તિશાળી વ્યક્તિઓ બચાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોઈ શકે છે.
હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સ સાંસદોએ X પરની એક પોસ્ટમાં લખ્યું: “બીજું શું છુપાવવામાં આવી રહ્યું છે? અમેરિકન જનતાને પારદર્શિતાની જરૂર છે.”
ટ્રમ્પનો ઉલ્લેખ પણ ગાયબ!
એપસ્ટીન સાથે ટ્રમ્પના સંબંધો જગજાહેર છે, DoJ દ્વારા એપસ્ટીન ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવેલા કેટલાક ડોક્યુમેન્ટ્સમાં ઉલ્લેખ હતો કે ટ્રમ્પ એપસ્ટીનના પ્રાઈવેટ જેટમાં પ્રવાસ કરી ચુક્યા છે, શુક્રવારે જાહેર કરવામાં આવેલી ફાઈલ્સમાં લેખિત પુરાવાઓમાંથી ડોનાલ્ડ ટ્રમ્પના ઉલ્લેખ કરતા ડોકયુમેન્ટ્સ ગાયબ હતાં.
ટ્રમ્પ પર સીધી રીતે કોઈ ગુનો કર્યો હોવાનો આરોપ હજુ સુધી લગાવવામાં આવ્યો નથી. ટ્રમ્પ એવો ખુલાસો આપી રહ્યા છે કે તેમને એપસ્ટીનના ગુનાઓ વિશે કોઈ જાણકારી ન હતી, જે વાત ગળે ઉતરે એવી નથી.
DoJએ શું કહ્યું?
DoJએ જણાવ્યુ કે શુક્રવારે માત્ર સમગ્ર ફાઈલ્સનો માત્ર આંશિક ભાગ જ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર ફાઈલ્સની સમીક્ષા કરવા માટે લાંબો સમય લાગશે. એપસ્ટીન રેકેટની પીડિત મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવી જરૂરી છે, જેના માટે જાહેર કરવામાં આવેલા મટીરીયલમાં 100 થી વધુ પાનાના ઘણા ડોક્યુમેન્ટ્સ સંપૂર્ણપણે બ્લેક આઉટ કરવામાં આવ્યા હતા.
એપસ્ટીન સ્કેન્ડલની પીડિત મહિલાઓમાંની એક મરિના લેસેર્ડાએ આરોપ લગાવ્યો કે હજુ ઘણું મટીરીયલ છુપાવવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું, “અમે નિરાશ છીએ, અમે ઘણી વધુ અપેક્ષા રાખી હતી.”
આ પણ વાંચો…એપસ્ટીન ફાઈલ્સઃ બિલ ક્લિન્ટન હોટ ટબમાં જોવા મળ્યા, કોન્ટેક્ટ બુકમાં ટ્રમ્પનું નામ



