શુક્રવારે ‘એપસ્ટીન’ના પાપનું પોટલું ખૂલશે: વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ આવવાના એંધાણ, જાણો સમગ્ર મામલો શું છે?

ન્યુયોર્ક: 19 ડિસેમ્બર 2025, શુક્રવારે યુએસ અને વૈશ્વિક રાજકારણમાં મોટી ઉથલપાથલનું નિર્માણ થઈ શકે છે, કારણ કે આ દિવસે યુએસના કુખ્યાત એપસ્ટીન સેક્સ ટ્રાફિકિંગ કેસ સાથે જોડાયેલી ફાઈલ્સ જાહેર કરવામાં આવશે. વર્ષોથી આ કેસની તપાસ અંગેની ફાઈલ્સ ગુપ્ત રાખવામાં આવી હતી. યુએસ કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી બાદ આ ફાઈલ્સ હવે જનતા સમક્ષ આવશે, જેમાં રાજકારણીઓ, હોલીવુડ સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓના નામ સામેલ હોઈ શકે છે.
આરોપો મુજબ એપસ્ટીન અને તેની પ્રેમિકા ગીસ્લેન મેક્સવેલ સાથે મળીને આ સેક્સ નેટવર્કમાં ચલાવતો હતો, જેમાં સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. આ છોકરીઓને વિશ્વના ઘણા રાજકીય નેતાઓ અને હાઈ પ્રોફાઈલ લોકો પાસે મોકલવામાં આવતી હતી.
ટ્રમ્પ-ક્લિન્ટન-બિલ ગેટ્સના ફોટો જાહેર
19 ડિસેમ્બરના સંપૂર્ણ દસ્તાવેજો જાહેર થાય એ પહેલા 12 ડિસેમ્બરના આ કેસ સાથે જોડાયેલ 19 ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ ફોટોગ્રાફ્સમાં યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પના દેખાય રહ્યા છે. અન્ય ફોટોગ્રાફ્સમાં યુએસ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, માઈક્રોસોફ્ટના સ્થાપક અને બિલિયોનેર બિલ ગેટ્સ પણ જોવા મળે છે.

ફોટોગ્રાફ્સમાં આ હાઈ પ્રોફાઈલ લોકો પણ દેખાયા
આ ઉપરાંત ફોટોગ્રાફ્સમાં બ્રિટેનના રાજા ચાર્લ્સના રાજાના ભાઈ પ્રિન્સ એન્ડ્રુ, ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર સ્ટીવ બેનન, હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વડા લેરી સમર્સ, ફિલ્મ પ્રોડ્યુસર વુડી એલન, બિઝનેસ રિચાર્ડ બ્રેન્સન, એલન અને પ્રસિદ્ધ વકીલ ડેરશોવિટ્ઝ પણ જોવા મળે છે. સંપૂર્ણ દસ્તાવેજોમાં અન્ય સંખ્યાબંધ હાઈ પ્રોફાઈલ નામો અને ફોટોગ્રાફ્સ જાહેર થઇ શકે છે.

ભારતના નેતાઓના નામ પણ ખૂલશે?
એપસ્ટીન ફાઈલ્સ જાહેર થાય એ પહેલા ભારતમાં પણ તેની ચર્ચા થઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે એપસ્ટીન ફાઈલ્સમાં ભારત સરકારન હાલના પ્રધાનો, ભૂતપૂર્વ પ્રધાનો અને વર્તમાન સાંસદોના નામ સામેલ હોઈ શકે છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પણ એક રિપોર્ટને ટાંકીને આરોપ લગાવ્યો હતો કે ભારતના પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીનું નામ પણ એપસ્ટીનના સંપર્કમાં રહેલા લોકોની યાદીમાં સામેલ છે.
જોકે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતીયોની સંડોવણી અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
ટ્રમ્પ ફાઈલ્સ જાહેર કરવા કેમ મજબૂર બન્યા?
ગયા મહિને 19 નવેમ્બરના રોજ કોંગ્રેસના બંને ગૃહો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટે એપસ્ટેઇન ડોક્યુમેન્ટ્સ ડિક્લાસિફિકેશન એક્ટને બહુમતીથી પસાર કર્યો હતો ત્યાર બાદ આ બિલને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે મોકલવામાં આવ્યું હતું, ટ્રમ્પે આ બિલ પર હસ્તાક્ષર કર્યા હતાં, ત્યાર બાદ આ ફાઈલ્સ જાહેર કરવાનો માર્ગ મોકળો બન્યો હતો.
કેટલાક લોકો એવા પણ સવાલ કરી રહ્યા છે કે ટ્રમ્પનું નામ આ ફાઈલમાં હોવા છતાં તેમણે આ બિલ પર હસ્તાક્ષર કેમ કર્યા? હકીકતે આ બિલ યુએસ કોંગ્રેસના બંને ગૃહોમાં ખૂબ મોટા માર્જિનથી પસાર થયું હતું. રિપ્રેઝન્ટેટિવ્સે આ બિલને 427-1ના માર્જિનથી મંજૂરી આપી હતી, સેનેટમાં પણ આ બિલ કોઈ પણ વિરોધમત વગર સર્વાનુમતે પસાર થયું થયું હતું, માટે ટ્રમ્પ પાસે હસ્તાક્ષર કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
જો ટ્રમ્પે વીટો વાપરીને આ બિલ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો હોત તો પણ, યુએસ કોંગ્રેસ ટ્રમ્પના વીટો બે-તૃતીયાંશ બહુમતીથી રદ કરી શકતી હતી. આ કારણે ટ્રમ્પે આ બિલ પર 19 નવેમ્બરના હસ્તાક્ષર કરવા પડ્યા.

લાખો પાનાંના દસ્તાવેજો જાહેર થશે:
નિયમ મુજબ યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ)ને એપસ્ટેઇન સાથે જોડાયેલી ફાઇલો 30 દિવસમાં જાહેર કરવાની છે, આ સમયમર્યાદા 18 ડિસેમ્બરના સમાપ્ત થાય છે અને 19 ડિસેમ્બરના રોજ આ ફાઈલ્સ દુનિયા સમક્ષ આવશે.
આ દિવસે કેટલી ફાઈલ્સ જાહેર કરવામાં આવશે એ અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ DOJએ જણાવ્યું છે તેની એપસ્ટીન કેસ સંબંધિત ડોક્યુમેન્ટ્સનો વિશાળ આર્કાઇવ છે, તાપસ દરમિયાન તૈયાર કરાયેલા લાખો પાનાંના દસ્તાવેજો, ઇમેઇલ્સ અને ફોટા જાહેર કરવામાં આવી શકે છે.
આ રીતે સેક્સ સ્કેન્ડલનો ભાંડો ફૂટ્યો:
એપસ્ટીન કાળી કરતૂતોનો ભાંડો 2005 ફૂટ્યો હતો. ફ્લોરિડામાં એક 14 વર્ષની સગીરાની માએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની દીકરીને મસાજ આપવાના બહાને એપસ્ટીનના વૈભવી ઘર બોલાવીને તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન, જાણવા મળ્યું કે 50 સગીર છોકરીઓને આ જાળમાં ફસાવવામાં આવી છે.
હાઇ-પ્રોફાઇલ પાર્ટીઓનું આયોજન
તપાસમાં પોલીસના જાણવા મળ્યું કે ન્યૂ યોર્કના મેનહટન અને ફ્લોરિડાના પામ બીચમાં આવેલા એપ્સટાઇન લકઝરીયસ વિલામાં હાઇ-પ્રોફાઇલ પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ અને સેલિબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવતું હતું. એપ્સટાઇન પૈસા અને ઘરેણાંની લાલચ આપીને સગીર વયની છોકરીઓને આવી પાર્ટીઓમાં લઈ આવતો હતો. ત્યાર બાદ ધમકી આપીને જાતીય સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો, જેમાં એપ્સટાઇનની ગર્લફ્રેન્ડ ઘિસ્લેન મેક્સવેલ તેની મદદ કરતી હતી.

એપસ્ટીનની ધરપકડ અને મુક્તિ
એપસ્ટીનને વર્ષ 2008માં 13 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી, આ દરમિયાન તેને જેલની બહાર જઈને કામ કરવાની પણ મંજૂરી આપવામાં આવતી હતી, જેનાથી તેના રાજકીય પ્રભાવ અંગે અંદાજ લગાવી શકાય છે.
વર્જિનિયા ગ્રિફેના આરોપ બાદ એપસ્ટેઇન ફરી ચર્ચામાં
વર્ષ 2009માં જેલમાંથી છૂટ્યા પછી એપસ્ટીનને જાહેરમાં ઓછો દેખાયો. વર્ષ 2017 માં યુએસમાં #MeToo મૂવમેન્ટ શરુ થઇ. મહિલાઓ તેમની સાથે થયેલા જાતીય શોષણ વિષે ખુલીને બોલવા લાગી, જેમાં ઘણી જાણીતી અભિનેત્રીઓ અને સેલિબ્રિટીઝે જાતીય શોષણના આરોપ લગાવ્યા.
આ દરમિયાન વર્જિનિયા ગ્રિફે નામની મહિલાએ એપસ્ટીન સામે જાતીય શોષણન ગંભીર આરોપો લગાવ્યા હતા. વર્જિનિયા ગ્રિફેએ દાવો કર્યો કે તેનું ત્રણ વર્ષ સુધી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. તેણે એક પ્રાઈવેટ જેટમાં વિશ્વભરના નેતાઓ પાસે મોકલવામાં આવતી હતી. ગ્રિફેએ આરોપ લગાવ્યો કે બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ તેના પર સગીર વયે જાતીય શોષણ કર્યું હતું.ગ્રિફેએ બાદ એપસ્ટીન સામે લગભગ 80થી વધુ મહિલાઓએ ફરિયાદ દાખલ કરી. આ સાથેએપસ્ટીન ફરી ચર્ચામાં આવ્યો.
એપસ્ટીનની ફરી ધરપકડ:
સેક્સ ટ્રાફિકિંગ કેસમાં 6 જુલાઈ, 2019 એપસ્ટીનની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. 23 જુલાઈના રોજ જેલમાં તે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો અને તેના ગળા નિશાન જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, આ સુરક્ષા દુર કરવામાં આવ્યા બાદ 10 ઓગસ્ટ, 2019ના રોજ એપસ્ટીન જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. એવી અટકળો છે કે આ કેસમાં સંડોવાયેલા હાઈ પ્રોફાઈલ લોકો અંગે ખુલાસા થતા રોકવા માટે આ હત્યા કરવામાં આવી હોઈ શકે છે, તેની તપાસ હજુ ચાલુ છે.
વર્જીનીયા ગિફ્રેનું ટ્રમ્પ સાથે કનેક્શન:
ગ્રિફે ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીના માર-એ-લાગો ક્લબમાં કામ કરતી હતી, આથી એવું પણ માનવામાં આવે છે કે ટ્રમ્પ સામે ચોંકાવનાર ખુલાસા થઇ શકે છે. ટ્રમ્પે વર્ષ 2019 માં જણાવ્યું હતું કે તેનો અને એપસ્ટીન વચ્ચે ઝઘડો થયો હતો અને બંને વછે 15 વર્ષથી કોઈ સંબંધ નથી. વર્જીનીયા ગિફ્રેનું આ વર્ષે એપ્રિલ મહિનામાં મૃત્યુ થયું. ત્યાર બાદ કેસ વધુ ચર્ચામાં આવ્યો અને એપસ્ટીન ફાઈલ્સ જાહેર કરવાનું દબાણ વધવા લાગ્યું.



