Video: હોંગકોંગમાં મોટી વિમાન દુર્ઘટના; વિમાન રનવે પરથી સરકીને દરિયામાં ખાબક્યું, 2ના મોત

હોંગકોંગ: આજે સોમવારે વહેલી સવારે હોંગકોંગમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર એક વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે લપસીને બાજુમાં આવેલા દરિયામાં ખાબક્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત વિમાન કાર્ગો પ્લેન હતું, આ ઘટનામાં બે લોકોના મોત થયાના અહેવાલ છે.
અહેવાલ મુજબ એર અમીરાત એરલાઈન્સની માલિકીનું આ વિમાન બોઇંગ-747 હતું. એર અમીરાતની ફ્લાઇટ EK9788 દુબઈથી થઇ હતી અને હોંગકોંગમાં સવારે 3:50 વાગ્યે લેન્ડ થવાની હતી. આ દરમિયાન કોઈ કારણોસર પાઈલોટે વિમાન પરથી કાબુ ગુમાવ્યો હતો. વિમાન પહેલા રનવે પાસે ઉભેલા ગ્રાઉન્ડ વેહિકલમાં સાથે અથડાયું અને ત્યાર બાદ બાજુમાં આવેલા દરિયામાં ખાબક્યું હતું.
બે લોકોના મોત:
એરપોર્ટની બચાવ ટીમે તુરંત રેક્યું ઓપરેશન શરુ કર્યું હતું. એરપોર્ટ ઓથોરીટીના જણવ્યા મુજબ વિમાનમાં સવાર ચાર ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, રનવે નજીક ગ્રાઉન્ડ વેહિકલમાં સવાર બે લોકોના મોત થયા છે.
અધિકારીઓના જણવ્યા મુજબ વિમાન અથડાતા ગ્રાઉન્ડ વેહિકલ પણ સમુદ્રમાં પડી ગયું હતું. તેમાં સવાર 30 વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું, જ્યારે 41 વર્ષીય અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું.
ઘટનાની તપાસ કરવામાં આવશે:
સોશિયલ મીડિયા પર આ ઘટનાના શેર કરવામાં આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે વિમાન દરિયાના પાણીમાં આંશિક રીતે ડૂબેલું છે. વિમાનનો આગળનો ભાગ અને કોકપીટ પાણીની ઉપર છે, પરંતુ પાછળનો ભાગ તૂટી ગયો છે.
New footage of the Air ACT 747 that ran off the runway at Hong Kong International Airport this morning. pic.twitter.com/3tHlBwruwu
— OSINTtechnical (@Osinttechnical) October 20, 2025
આ ઘટના હોંગકોંગના એરપોર્ટના નોર્થ રનવે પર બની હતી, આ રનવે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. જ્યારે એરપોર્ટના અન્ય બે રનવે કાર્યરત છે. હોંગકોંગના સિવિલ એવિએશન ડીપાર્ટમેન્ટે જણાવ્યું કે આ ઘટનાની જાણ એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટીને કરવામાં આવી છે, ઘટનાની તપાસ કરવામાં આવશે.
આપણ વાંચો: ટ્રમ્પે યુક્રેનને હથિયારો આપવા ઇનકાર કર્યો, ઝેલેન્સકીને ગાળો બોલી! જાણો બેઠકમાં શું શું થયું