ઈલોન મસ્કે ટ્રમ્પ સરકારને કહ્યું બાય બાયઃ અચાનક કેમ લીધો આવો નિર્ણય ?

વોશિંગ્ટન ડીસી: ફેબ્રુઆરી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બનતા બિલિયોનેર ઈલોન મસ્કને સરકારમાં મહત્વની જવાબદાર સોંપવામાં આવી હતી. મસ્કને ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસીયન્સી (DOGE)ના વડાનું પદ સોંપવામાં આવ્યું હતું. મસ્કની આગેવાની હેઠળ આ ડીપાર્ટમેન્ટે સરકારી ખર્ચ ઘટાડવા માટે મહત્વના નિર્ણયો લીધા હતાં. આ ઉપરાંત મસ્કે ઘણી બાબતોમાં ટ્રમ્પના સલાહકાર તરીકે કામ કર્યું હતું. એવામ હવે ટ્રમ્પ અને મસ્કની જોડી તુટવા જઈ રહી છે. ઈલોન મસ્કે એક મોટી જાહેરાત (Elon Musk to leave US gov) કરી છે.
ઈલોન મસ્કે જણાવ્યું કે યુએસ સરકારમાં સ્પેશિયલ ગવર્મેન્ટ ઓફિસર (SGE) તરીકેનો તેમનો 130 દિવસનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે હું સરકારી ખર્ચ ઘટાડવાની તક આપવા બદલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું. સમય જતાં DOGE મિશન વધુ મજબૂત બનશે.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે મસ્ક યુએસ સરકાર છોડી રહ્યા છે.
મસ્કે ટ્રમ્પના બીલનો વિરોધ કર્યો:
મહત્વની વાત એ છે કે થોડા માય પહેલા જ ઈલોન મસ્કે ટ્રમ્પના વન બિગ બ્યુટીફુલ બિલનો વિરોધ કાયો હતો, ત્યાર બાદ તેમણે સરકાર છોડવાનો નિર્ણય લેતા બંને વચ્ચે તકરારની અટકળો શરુ થઇ છે. આ અંગે મસ્કે કહ્યું હતું કે મને લાગે છે કે વન બિગ બ્યુટીફુલ બિલ મોટું હોઈ શકે છે અથવા તે મહાન હોઈ શકે છે. પરંતુ મને નથી લાગતું કે તે એક જ સાથે બંને હોઈ શકે.
ટેસ્લાના શેર્સ તૂટ્યા:
છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો છે કે ઈલોન મસ્કની કંપની ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર્સનું વેચાણ સતત ઘટી રહ્યું છે. ટેસ્લાના શેરમાં સતત ભારે ઘટાડાથી રોકાણકારો શેર્સ વેચી રહ્યા છે. ટેસ્લાના રોકાણકારોએ પણ મસ્કના રાજીનામાની માંગ કરી હતી. અમેરિકામાં ટેસ્લાનો બહિષ્કાર પણ થઈ રહ્યો છે. DOGEની જવાબદારીને કારણે મસ્ક બિઝનેસ પર વધુ ધ્યાન આપી શકતા ન હતાં.
શું છે DOGE?
DOGE એક વહીવટી ઝુંબેશ છે જેમાં મસ્કને સરકારી ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઝુંબેશ દ્વારા બિનજરૂરી સરકારી ખર્ચ શોધી કાઢવામાં આવ્યો હતો. મસ્કની આગેવાની હેઠળ વિદેશી સહાય અને જાહેર પ્રસારણ પર ખર્ચ ઘટાડવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. NPR, PBS અને વિદેશી સહાય કાર્યક્રમોમાં $9.4 બિલિયનનો કાપ મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પગલું સરકારી સુધારા અને નકામા ખર્ચને દૂર કરવાની દિશામાં લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…. ટ્રમ્પે લાખો ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકોઃ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પર લગાવી રોક, આપ્યો આવો આદેશ