ફ્લોરિડામાં બસના અકસ્માતમાં આઠનાં મોતઃ ૪૦ ઘાયલ

ઓકાલાઃ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં તરબૂચના ખેતરમાં કામ કરવા જઇ રહેલા મેક્સીકન નાગરિકો ભરેલી બસને પીક-અપ વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
મેક્સિકોના વિદેશ સંબંધોના સચિવ એલિસિયા બાર્સેનાએ મંગળવારે એક્સ પર જણાવ્યું હતું કે ફ્લોરિડામાં મેક્સિકન કૃષિ કામદારો ભરેલા વાહનનો ગંભીર અકસ્માત થયો હોવાની જાણ કરતાં હું દુઃખની લાગણી અનુભવુ છું.
જોકે તેમણે એ જણાવ્યું નહોતું કે બસમાં સવાર ચાર ડઝનથી વધુ લોકોમાંથી કેટલા મેક્સિકન હતા. ફ્લોરિડા હાઇ-વે પેટ્રોલે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોના નામ સંબંધીઓને જાણ કરવામાં આવ્યા બાદ જાહેર કરવામાં આવશે.
ફ્લોરિડા હાઇ-વે પેટ્રોલે એક પીકઅપ ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી હતી જે ખેડૂતની બસ સાથે અથડાઇ હતી. ઓર્લાન્ડોમાં મેક્સીકન વાણિજ્ય દૂતાવાસ વધુ જાણકારી અને સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે. આ અકસ્માત સવારે ૬-૪૦ વાગ્યે થયો હતો. ટ્રકે બસને ટક્કર મારતા બસ રોડ પરથી પલટી થઇ હતી અને અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ લોકોના મોત અને ૪૦ ઘાયલ થયા હતા.
આ દુર્ઘટના ઓર્લાન્ડોની ઉત્તરે લગભગ ૮૦ માઇલ(૧૩૦ કિલોમીટર) દૂર બની હતી. જ્યારે કામદારો ડનેલોનમાં કેનન ફાર્મ્સમાં જઇ રહ્યા હતા. ડ્રાઇવરની બાજુના ભાગને વ્યાપક નુકસાન થયું હતું.