યુદ્ધ વચ્ચે ઈરાનની ધરા ધ્રુજી, બે ભૂકંપના આંચકાથી ચકચાર…

સેમનાન: ઈરાન ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ એક બીજા પર મીશાઈલોથી હુમલા કરી રહ્યા છે. ઈઝરાયલના હુમલાને પુરા તાકતથી ઈરાન જવાબ આપી રહ્યું છે. આ વચ્ચે ઈરાનના સેમનાન પ્રાંતમાં 20 જૂન, શુક્રવારે મધ્યમ રાત્રે ભૂકંપના ઝટકા અનુભવાયા, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ. જોકે, હાલ સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી મળ્યા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સેમનાન શહેરથી 87 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC), જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સેઝ (GFZ) અને રાસ્પબેરીશેક નેટવર્કે આ ભૂકંપની પુષ્ટિ કરી હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 35 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપ આવ્યાના બાદ થોડા સમય બાદ સુરખેહ નજીક બીજો 5.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેની ઊંડાઈ સ્પષ્ટ થઈ નથી, પરંતુ તે જમીનની સપાટી નજીક હોવાનું માનવામાં આવે છે.
સેમનાન અને મહદીશહર વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપ પર નિષ્ણાતોનું કહેવું છે કે આ ભૂકંપથી મોટા નુકસાનની શક્યતા ઓછી છે, પરંતુ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ભૂકંપની દૃષ્ટિએ ઈરાન
ઈરાન ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં આવેલું છે, જ્યાં આવા ઝટકા સામાન્ય છે. શુક્રવારના દિવસે બનેલી ભૂકંપની ઘટના ગંભીર ન હતી, પરંતુ નિષ્ણાતોએ સતર્ક રહેવાની સલાહ આપી છે. સ્થાનિક અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે, જેથી કોઈપણ સંભવિત જોખમનો સામનો કરી શકાય.