અફઘાનિસ્તાનમાં ફરી એકવાર આવ્યો ભૂકંપ! રિક્ટર સ્કેલ પર આટલી તીવ્રતા નોંધાઈ

કાબુલ, અફઘાનિસ્તાનઃ અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે ફરી 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનસીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભૂકંપ 135 કિમીની ઊંડાઈએથી આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં આજે સવારે 10:40 વાગ્યે, 34.38° ઉત્તર અક્ષાંશ અને 70.37° પૂર્વ રેખાંશ પર 135 કિમીની ઊંડાઈએ 4.8 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ પહેલા આવેલા ભૂકંપમાં આશરે 1400થી પણ વધારે લોકોનું મોત થયું હતું.
અફઘાનિસ્તાનમાં આવેલા 4.8ની તીવ્રતાના ભૂકંપે લોકોને ડરાવ્યા
આ પહેલા આવેલા ભૂકંપની વાત કરવામાં આવે તો, બુધવારે મોડી રાત્રે પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મંગળવારે દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં 5.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા રવિવારે રાત્રે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રવિવારે આવેલા ભૂકંપમાં 1411 લોકોનો જીવ ગયો હતો. આ સાથે 3250થી પણ વધારે લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. રવિવાર બાદ અફઘાનિસ્તાનમાં સતત ભૂકંપના આંચકા વધી રહ્યાં છે. જેના કારણે લોકોમાં દરનો માહોલ છે. અફઘાનિસ્તાનની ખરાબ પરિસ્થિતિને જોતા ભારત દ્વારા મદદ અને રાહત માટેની સામગ્રી મોકલવામાં આવી હતી.
ગત રવિવારે એક બે નહીં પરંતુ છ ભૂકંપ આવેલા
રવિવારે રાત્રે 12:47 વાગ્યે પહેલો ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3ની નોંધાઈ હતી. ત્યાર બાદ એકપછી એક અનેક ભૂકંપના આંચકા આવ્યાં હતાં. જેમાં રાત્રે 01:08 વાગ્યે 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, રાત્રે 01:59 વાગ્યે 4.3 ની તીવ્રતાનો ભૂકંપ, રાત્રે 03:03 વાગ્યે 5 ની તીવ્રતાનો ભૂકંપ અને સવારે 05:16 વાગ્યે 5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં આ પહેલા પણ અનેક વિનાશકારી ભૂકંપ આવેલા છે. જેમાં હજારો લોકોનું અકાળે મોત થયું હતું.
આપણ વાંચો: લિસ્બનનું ટૂરિસ્ટ એક્ટ્રેક્શન ફર્નિક્યુલર થયું ડિરેલ, 15ના મોત, પર્ટુગલ શોકમાં