ફિલીપાઇન્સમાં ધરતી ધ્રુજી, 6.9ની તીવ્રતાનો ભૂકંપ..
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ)ના જણાવ્યા મુજબ શુક્રવારે ફિલીપાઈન્સના દક્ષિણ મિંડાનાઓ ક્ષેત્રમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઇએ નોંધાયું. હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.
ફિલીપાઈન્સની સિસ્મોલોજી એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ ઘણી સેકન્ડો સુધી ચાલ્યો હતો અને સ્થાનિક રહેવાસીઓને આફ્ટરશોક્સ અને નુકસાન માટે સાવચેત રહેવાની સલાહ આપી હતી. જો કે દક્ષિણ કોટાબેટોમાં ભૂકંપના કારણે ઘરની દિવાલોમાં તિરાડો પડવાના તેમજ કેટલાક ઉપકરણોને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
ભૂકંપને પગલે જનરલ સેન્ટોસ સિટીના એરપોર્ટ પરના મુસાફરોને ટાર્મેક પર ખસેડવામાં આવ્યા હતા, આ મુસાફરો જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મનિલા જવા માટે વિમાનમાં સવાર થવાના હતા.
ફિલિપાઇન્સ “રિંગ ઓફ ફાયર” પર આવેલું છે, જે પ્રશાંત મહાસાગર ફરતે આવેલા જ્વાળામુખીનો એક પટ્ટો છે જે ધરતીકંપની પ્રવૃત્તિ માટે સંવેદનશીલ છે.
સામાન્યપણે ભૂકંપના આંચકાની તીવ્રતા જો 0 થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. પછી 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ પછી જો તેની તીવ્રતા 3 થી વધી જાય તો જાનમાલના નુકસાનનો ભય રહે છે.