Earthquake in Japan: જાપાનની ધરતી ફરી ધ્રૂજી ઉઠી, રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતાનો ભૂકંપ

ટોક્યો: નવા વર્ષાના પ્રથમ દિવસે જ આવેલા ભૂકંપના કારણે થયેલા નુકશાનમાંથી જાપાન હજુ બહાર નથી આવી શક્યું, એવામાં આજે મગળવારે ફરી એકવાર જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. ભૂકંપનો અભ્યાસ કરતી એક સંસ્થાના અહેવાલ મુજબ મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપ બાદ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ પહેલા રવિવારે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે 1 જાન્યુઆરીએ મધ્ય જાપાનના કેટલાક ભાગોને શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, એ જ વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયો હતો.
અહેવાલ મુજબ, 1 જાન્યુઆરીના ભૂકંપ પછી લોકો એટલા ડરી ગયા છે કે તેઓ તેમના ઘરમાં સૂવાને બદલે બહાર ખુલ્લામાં અથવા તેમની કારમાં સૂઈ રહ્યા છે. લોકોને ડર છે કે ગમે ત્યારે મોટો ધરતીકંપ આવી શકે છે.
1લી જાન્યુઆરીએ આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપે સમગ્ર દેશમાં તબાહી મચાવી હતી. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી અને ભવિષ્યમાં વધુ ભૂકંપ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 126 લોકોના મોત થયા છે. સેંકડો દુકાનો અને મકાનોને નુકસાન થયું હતું.
1 જાન્યુઆરીએ આવેલા ભૂકંપ બાદ અનેક ઘરોમાં વીજળી સંકટ છે. જાપાનના ઇશિકાવા પ્રીફેક્ચરના રહેવાસીઓ પાવર કટનો સામનો કરી રહ્યા છે. એનામિઝુમાં 1,900 ઘરો પાવર વગરના છે અને ઇશિકાવા પ્રીફેક્ચરમાં લગભગ 20,000 ઘરો પાવર વગરના હતા. ટેલિફોન સેવા પણ બંધ છે.