અલાસ્કા-કેનેડાની બોર્ડર પર આવ્યો ભૂકંપ: એકાદ-બે નહીં, અનેક આંચકા અનુભવાયા

વોશિંગટન ડીસી: પેસેફિક મહાસાગરની આસપાસના ‘પેસેફિક રિંગ ઓફ ફાયર’ વિસ્તારને અડીને આવેલા દેશોમાં અવારનવાર ભૂકંપના આચકા અનુભવાય છે. તાજેતરમાં પણ એક આવી જ ઘટના બની હતી. અલાસ્કા અને કેનેડિયન વિસ્તાર યુકોનની બોર્ડર પાસે તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. જોકે, આ ભૂકંપ બાદ સુનામી જેવી કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
7 મેગ્નિટ્યુટનો ભૂકંપથી અનેક આંચકા અનુભવાયા
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, અલાસ્કાથી અંદાજીત 370 કિમી ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં અને વ્હાઇટહોર્સ યુકોનથી 250 કિમી પશ્ચિમમાં 7 મેગ્નિટ્યુટનો ભૂકંપ આવ્યો હતો. જોકે, આ ભૂકંપ જમીનથી 10 કિમી ઊંડે હોવાનું જાણવા મળ્યું હતું. ભૂકંપ એટલો તીવ્ર હતો કે, પરિસ્થિતિ સામાન્ય થયા બાદ પણ હળવા આંચકા અનુભવાયા હતા.
રહેણાંક વિસ્તારમાં નહીંવત નુકસાનની આશંકા
ભૂકંપ અંગે રૉયલ કેનેડિયન માઉંટેડ પોલીસ અધિકારી સાર્જેંટ કૈલિસ્ટા મૈકલિયોડે જણાવ્યું હતું કે, “અમારી ટીમને ભૂકંપ અંગે બે કોલ મળ્યા હતા. ભૂકંપ એટલો તીવ્ર હતો કે, તેના આંચકાનો દરેકે અનુભવ કર્યો હતો. જેને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.”
કેનેડાના પ્રાકૃતિક સંસાધન વિભાગના ભૂકંપ વિજ્ઞાની એલિસન બર્ડના જણાવ્યાનુસાર,યુકોનનો પહાજી વિસ્તાર આ ભૂકંપથી વધારે પ્રભાવિત થયો છે. પરંતુ અહીં માનવવસ્તી બહુ ઓછી છે. લોકોના ઘરની દીવાલો પરથી વસ્તુઓ પડવાની માહિતી મળી છે. તેથી ભૂકંપના કારણે વધારે નુકસાન પહોંચ્યું હોય એવું લાગતું નથી.
ઉલ્લેખનીય છે કે, ભૂકંપનું કેન્દ્ર કેનેડિયન સમુદાય હેન્સ જંક્શન ખાતે નોંધાયું હતું. આ ભૂકંપના આંચકાનો યુકોનના 1018 તથા અલાસ્કાના 662 લોકોએ અનુભવ કર્યો હતો.
આ પણ વાંચો…ભારતના ભૂકંપ ઝોનનો નવો નકશો થયો તૈયાર: જાણો હવે કચ્છ ક્યા ઝોનમાં આવ્યું



