તેજસ પહેલા દુબઈના એર શોમાં ક્રેશ થઈ ચૂક્યા છે વિદેશી ફાઈટર પ્લેન, જાણો ઈતિહાસ?

વર્ષ 1986થી દુબઈમાં એર શોનું આયોજન કરવામાં આવે છે, જેને વિશ્વનો સૌથી મોટો એર શો પણ કહેવાય છે. દુબઈમાં 17થી 21 નવેમ્બરના યોજાયેલા એર-શોમાં એક દુર્ઘટના ઘટી હતી. એર શોના પ્રદર્શન વખતે ભારતનું ‘તેજસ’ ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાઇલટનું મોત થયું છે.
જોકે, દુબઈના એર શોમાં આ અગાઉ પણ ફાઈટર પ્લેન ક્રેશ થવાના તથા એર શો વખતે પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેમાં ચીન, અમેરિકા જેવા દેશો પણ બાકાત નથી. 1986થી શરૂ થયેલા એર શોમાં અત્યાર સુધીમાં પાકિસ્તાન, ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા સહિત અનેક દેશોના ફાઈટર પ્લેન ક્રેશ થયા છે અથવા મોટી ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો : દુબઈમાં તેજસ જેટ ક્રેશ મુદ્દે એરફોર્સનું નિવેદન, કહ્યું પાયલોટે લોકોનો જીવ બચાવવા બલિદાન આપ્યું
2019માં યોજાયેલા દુબઈ એર શોમાં પાકિસ્તાનનું ‘ચાઇનીઝ ચેંગડુ J-10C’ ફાઇટર જેટ ક્રેશ થયું હતું. 18 નવેમ્બરના પાકિસ્તાનના એરફોર્સનું આ જેટ ક્રેશ થયું હતું. જોકે, આ દરમિયાન પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો, પરંતુ વિમાન દુબઈના રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું, જ્યાં એક બાળકનું મૃત્યુ થયું હતું તેમ જ એક ઘરને નુકસાન થયું હતું. આ દુર્ઘટનાની તપાસમાં ટેકનિકલ ખામી અને પાઇલટની ભૂલને જવાબદાર ઠેરવવામાં આવી હતી. જોકે, ‘ચાઇનીઝ ચેંગડુ J-10C’ પાકિસ્તાનને આપવામાં આવેલું પ્રથમ ચાઇનીઝ બનાવટનું વિમાન હતું.
2017ના દુબઈ એર શોમાં સાઉદી અરેબિયાના ‘બોઇંગ 737-800’માં ખામી સર્જાઈ હતી. સ્ટેટિક ડિસ્પ્લે પર એન્જિન ખરાબ થવાથી તે અન્ય વિમાનો સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ આ દુર્ઘટનાને કારણે એર શો સ્થગિત કરવામાં આવ્યો હતો. 2015માં થયેલા એર શોમાં અમેરિકાના ‘લોકહીડ માર્ટિન F-16’ ફાઇટર જેટના એન્જિનમાં તથા 2013માં થયેલા એર શોમાં UAEના ‘F-16’ ફાઇટર જેટના એન્જિનમાં પ્રદર્શન દરમિયાન ખામી સર્જાઈ હતી. જોકે, આ બંને સંજોગોમાં પાઇલટે સેફ લેન્ડિંગ કર્યું હતું.
આ પણ વાંચો : ક્રેશ થયેલા ‘તેજસ’માં રાજ્યમંત્રીએ ભરી હતી ઉડાન અને લખી હતી આવી કવિતા…
ઉલ્લેખનીય છે કે દુબઈ એર શોના 39 વર્ષના ઇતિહાસમાં કુલ ક્રેશની સંખ્યા ઓછી નહીં હોવા છતાં ‘તેજસ’, ‘ચાઇનીઝ-J-10C’ના ફાઈટર પ્લેન ક્રેશની ઘટનાઓએ વૈશ્વિક એરોસ્પેસ ઉદ્યોગને પાઠ ભણાવ્યો છે. ટેક્નિકલ રીતે પ્રગતિ થવાની સાથે સુરક્ષા પણ જરુરી છે. દુબઈનો એર શો ઈનોવેશનનું પ્રતીક તો છે, પરંતુ આ પ્રકારના અકસ્માતો આસમાનની ઊંચાઈઓ પણ જોખમ ભરેલી છે.



