વૈશ્વિક રાજકારણમાં નવો વળાંક! ટ્રમ્પ અને પુતિન વચ્ચે થઇ શકે છે મુલાકત, જાણો કેમ છે મહત્વપૂર્ણ

ન્યુયોર્ક: યુદ્ધ અને વેપાર યુદ્ધ વચ્ચે વૈશ્વિક રાજકારણ ખુબ ઝડપથી બદલાઈ રહ્યું છે, હાલ સૌથી વધુ ચર્ચાઈ રહેલો મુદ્દો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરીફ અને વેપાર પ્રતિબંધો છે. રશિયા પાસેથી પેટ્રોલિયમ અને અન્ય પેદાશો ખરીદવા બદલ ટ્રમ્પે ભારત સહીત ઘાણા દેશો પર વધારાનો ટેરીફ અને પ્રતિબંધો લાદ્યા છે. એવામાં એવા અહેવાલ છે કે ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠક (Donald Trump-Vladimir Putin meeting) કરી શકે છે.
યુનાઈટેડ નેશન્સમાં રશિયાના ડેપ્યુટી એમ્બેસેડર દિમિત્રી પોલિઆન્સ્કીએ ગુરુવારે જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આગામી અઠવાડિયે મુલાકાત થઈ શકે છે.
પુતિન અને ટ્રમ્પ વચ્ચે સંભવિત બેઠક અંગે પત્રકારોને સાથે વાત કરતા પોલિઆન્સ્કીએ કહ્યું, “બંનેની મુલાકાત માટે ઘણા સ્થળોની ચર્ચા થઇ રહી છે, પરંતુ હાલ આ સ્થળ જાહેર કરવામાં નહીં આવે. મને લાગે છે કે, આવતા અઠવાડિયે છે આ મુલાકાત થઇ શકે છે, પરંતુ તે ફરીથી જણાવું કે રાષ્ટ્રપતિઓ એ પોતે શું નક્કી કરશે તેના પર આધાર રાખે છે.”
પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની સંભવિત મુલાકાત અંગે પોલિઆન્સ્કીએ કહ્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી. તેમણે કહ્યું “મેં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની રાષ્ટ્રપતિ પુતિનની કોઈ બેઠક વિશે સાંભળ્યું નથી, પરંતુ આ અંગે મને વધુ જાણકાર નથી.”
ટ્રમ્પ-પુતિનની બેઠકનું મહત્વ:
વ્લાદિમીર પુતિન છેલ્લે જૂન 2021 માં યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા હતાં, ત્યાર બાદ તેઓ યુએસ રાષ્ટ્રપતિને મળ્યા નથી.
યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પદ સંભાળ્યા પછી 24 કલાકમાં તેઓ યુક્રેન-રશિયાના યુદ્ધનો અંત લાવશે, પરંતુ તેમના બીજા કાર્યકાળના લગભગ સાત મહિના વીત્યા પછી પણ એ શક્ય બન્યું નથી. એવામાં બંને દેશના રાષ્ટ્રપતિની મુલાકાત ખુબ અગત્યની બની જાય છે.
આપણ વાંચો: 50 ટકા ટેરિફ અંગે શશિ થરૂરે અમેરિકા પર ઉઠાવ્યા સવાલ, ભારતને જવાબ આપવાની સલાહ