ભારત ટેરિફથી મારે છે: ડૉનાલ્ડ ટ્રમ્પના આ બફાટ પાછળનું શું છે કારણ?

વોશિંગટન ડી.સી: ભારત-પાકિસ્તાન વચ્ચે મેં યુદ્ધવિરામ કરાવ્યો, આવા અનેક પાયાવિહોણા નિવેદનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આપી ચૂક્યા છે. હવે તેમણે ભારતને લઈને વધુ એક નિવેદન આપ્યું છે. આ નિવેદન ભારત દ્વારા લાદવામાં આવતા ટેરિફ વિશે છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત વિશે શું કહ્યું? આવો જાણીએ.
હું ટેરિફને વધારે સારી રીતે સમજ્યો
ડૉનાલ્ડ ટ્રમ્પે સ્કૉટ જેનિંગ્સ રેડિયો શોમાં ભાગ લીધો હતો. આ રેડિયો શોમાં વાતચીત દરમિયાન ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “ચીન આપણને ટેરિફથી મારે છે, ભારત આપણને ટેરિફથી મારે છે. બ્રાઝિલ આપણને ટેરિફથી મારે છે. હું ટેરિફને તેઓથી વધારે સારી રીતે સમજ્યો, કોઈપણ વ્યક્તિ કરતા વધારે સારી રીતે સમજ્યો.”
ડૉનાલ્ડ ટ્રમ્પે આગળ જણાવ્યું કે, “ભારત દુનિયાનો સૌથી વધારે ટેરિફવાળો દેશ હતો અને હવે તેઓ મને કહીં રહ્યા છે કે, ભારતમાં કોઈ ટેરિફ રહેશે નહીં. જો હું ટેરિફ ન લગાવતો તો તે ક્યારેય આ પ્રસ્તાવ મૂકતું નહીં. તેથી આપણી પાસે ટેરિફનું હોવું જરૂરી છે.”
ભારત અમેરિકાને મોટાપાયે સામાન વેચે છે
ડૉનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઘણીવાર ‘ઝીરો ટેરિફ’ના દાવાનો પુર્નરોચ્ચાર કર્યો છે. ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ભારત-અમેરિકાના વેપારને એકતરફી સંકટ ગણાવ્યું છે. સાથોસાથ જણાવ્યું છે કે, અમેરિકાને ભારત મોટાપાયે સામાન વેચે છે. પરંતુ અમેરિકા ભારતને ઘણો ઓછો સામાન વેચી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત પર પહેલા 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત બાદ તેને 50 ટકા કરવાના અમેરિકાના નિર્ણયને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ ન કરતા અમેરિકાએ આ નિર્ણય લીધો હતો. ભારતે કારણ આપતા જણાવ્યું હતું કે, અમારા નિર્ણય બજારની સ્થિતિ અને પ્રજાના હિત પર આધારિત છે.
આ પણ વાંચો…ટ્રમ્પ પરિવારે પાકિસ્તાન સાથે કરેલા બિઝનેસ ડીલને કારણે ટ્રમ્પે ભારતને બાજુ પર મૂકી દીધું