સ્ટેટ ડિનર બાદ ટ્રમ્પે ઠાલવ્યો બળાપો: સાદિક ખાનને ગણાવ્યા લંડનના 'સૌથી ખરાબ મેયર' | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

સ્ટેટ ડિનર બાદ ટ્રમ્પે ઠાલવ્યો બળાપો: સાદિક ખાનને ગણાવ્યા લંડનના ‘સૌથી ખરાબ મેયર’

વોશિંગટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ લંડનના પ્રવાસે ગયા હતા. અહીં તેમણે બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મરની મુલાકાત લીધી હતી. સાથોસાથ વિન્ડસર કેસલમાં કિંગ દ્વારા આયોજિત સ્ટેટ ડિનરમાં પણ ભાગ લીધો હતો. જોકે, આ ડિનર બાદ ડૉનાલ્ડ ટ્રમ્પ અને લંડનના મેયર સાદિક ખાન વચ્ચેના તણાવપૂર્વ સંબંધો સામે આવ્યા છે. લંડનથી વોશિંગટન પરત ફરતી વખતે ટ્રમ્પે એવું નિવેદન આપ્યું છે, જે ચર્ચામાં આવ્યું છે.

સાદિક ખાન ખરાબ મેયર છે

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને લંડનના મેયર સાદિક ખાન વચ્ચેનો સંબંધ હંમેશાં તણાવપૂર્ણ રહ્યો છે. લંડન મુલાકાત દરમિયાન તેમના સંબંધોની કડવાશ ફરી એકવાર સામે આવી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ લંડનથી વોશિંગ્ટન પરત ફરતી વખતે ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, “હું નહોતો ઈચ્છતો કે સાદિક ખાન વિન્ડસર કેસલમાં રાજા દ્વારા આયોજિત સ્ટેટ ડિનરમાં હાજર રહે. તે વિશ્વના સૌથી ખરાબ મેયર પૈકીનો એક છે.”

આ પણ વાંચો : પ્રેસિડેન્ટ કે પ્રોફિટિયર? ડૉનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ પદનો લાભ લઈ પરિવારને કર્યો માલામાલ

મીડિયા સાથે વાત કરતા ડૉનાલ્ડ ટ્રમ્પે સાદિક ખાનના વહીવટ અંગે આરોપ લગાવ્યા હતા. લંડનમાં વધી રહેલી ગુનાખોરી માટે તેમણે સાદિક ખાનને જવાબદાર ગણાવ્યા હતા. ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે “સાદિક ખાને ભયંકર કામ કર્યું છે. ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે સાદિક ખાન કાર્યક્રમમાં હાજર રહેવા માંગતા હતા, પરંતુ મેં વ્યક્તિગત રીતે તેમને આમંત્રણ ન આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ટ્રમ્પ અને ખાન વચ્ચે 10 વર્ષ જૂનો વિવાદ

ટ્રમ્પ અને ખાન વચ્ચે 2015થી વિવાદ ચાલી રહ્યો છે. એ સમયે લેબર પાર્ટીના નેતા સાદિક ખાને મુસ્લિમોના યુએસ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના ટ્રમ્પના સૂચનની ટીકા કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે 2016માં ખાનને IQ ટેસ્ટ આપવાનો પડકાર ફેંક્યો હતો અને 2017ના લંડન બ્રિજ આતંકવાદી હુમલાને સંભાળવાની તેમની રીત પર પણ હુમલો કર્યો હતો. 2019માં ટ્રમ્પે ખાનને “સંપૂર્ણ નિષ્ફળ” ગણાવ્યા હતા, જેના જવાબમાં સાદિક ખાને ટ્રમ્પ પર તેમના ધર્મ અને રંગને કારણે નિશાન બનાવવાનો આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચો : ડૉનાલ્ડ ટ્રમ્પે 7 દેશો માટે નવા ટેરિફ દરો જાહેર કર્યા, શ્રીલંકા, ઇરાક, અલ્જીરિયા, લિબિયા પર 30 ટકા ટેરિફ લદાયો…

અમેરિકન શહેરો કરતા લંડન વધુ સારું છે

ઉલ્લેખનીય છે કે મીડિયાના અહેવાલ મુજબ સાદિક ખાને સ્ટેટ ડિનર માટે કોઈ આમંત્રણની વિનંતી કરી નહોતી. મેયર સાદિક ખાનના નજીકના સૂત્રોએ ટ્રમ્પના નિવેદનને “ભય અને વિભાજન” ફેલાવવાની રાજનીતિનો ભાગ ગણાવ્યું હતું. તેઓએ કહ્યું કે લંડન ખુલ્લું, ગતિશીલ અને સલામત શહેર છે, જે મુખ્ય અમેરિકન શહેરો કરતાં વધુ સારું છે. મોટી સંખ્યામાં અમેરિકનો લંડનને પોતાનું ઘર બનાવી રહ્યા છે, જે શહેરની સફળતા દર્શાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button