પરમાણુ યુદ્ધનું જોખમ! ટ્રમ્પે તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ હાથ ધરવાનો આદેશ આપ્યો

બુસાન: વિશ્વ ફરી ‘ન્યુક્લિયર આર્મ રેસ’ તરફ ધકેલાઈ રહ્યું હોય એવા સંજોગો સર્જાઈ રહ્યા છે, થોડા દિવસો પહેલા રશિયાએ તેની ન્યુક્લિયર ફોર્સિઝની તૈયારી માટે પરીક્ષણો હાથ ધર્યા હતાં. એવામાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સંરક્ષણ વિભાગને પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ તાત્કાલિક ફરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આજે ગુરુવારે દક્ષીણ કોરિયાના બુસાનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠક પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને સંરક્ષણ વિભાગને અન્ય પરમાણુ શક્તિઓના સમાન ધોરણે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હોવાની જાહેરાત કરી.
ટ્રમ્પે કહ્યું કે “અન્ય દેશો દ્વારા પરીક્ષણ કાર્યક્રમોને ધ્યાનમાં રાખી, મેં ડીપાર્ટમેન્ટ ઓફ વોરને સમાન ધોરણે આપણા પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ શરૂ કરવા સૂચના આપી છે. આ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવશે.”
ક્યાં દેશ પાસે કેટલાક પરમાણુ શસ્ત્રો:
ટ્રમ્પે પોસ્ટમાં દાવો કર્યો છે કે યુએસ પાસે વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે. પરંતુ ‘ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ’ અનુસાર, રશિયા પાસે હાલમાં સૌથી વધુ 5,500 પરમાણુ શસ્ત્રો છે, જ્યારે અમેરિકા પાસે લગભગ 5,044 છે. ચીન પણ ઝડપથી તેના પરમાણું હથિયાર વધારી રહ્યું છે, 2030 સુધીમાં ચીન પાસે 1,000 પરમાણું શસ્ત્રો હશે.
33 વર્ષ બાદ યુએસ પરમાણુ પરીક્ષણ કરશે:
યુએસએ છેલ્લે આજથી 33 વર્ષ પહેલા 23 સપ્ટેમ્બર, 1992ના રોજ નેવાડામાં પરમાણુ શસ્ત્રનું પરીક્ષણ હાથ ધર્યું હતું, અને ત્યાર બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
રશિયાએનું પરમાણુ પરીક્ષણ:
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે જણાવ્યું હતું કે રશિયાએ ન્યુક્લિયર પાવર્ડ સુપર ટોર્પિડો ‘પોસાઇડન’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
લશ્કરી વિશ્લેષકોના જણાવ્યા મુજબ રશિયાના આ હથિયાર વિશાળ રેડિયો એક્ટિવ મોજા પેદા કરી શકે છે દરિયાકાંઠાના પ્રદેશોમાં વિનાશ વેરી શકે છે.
આ પણ વાંચો…ટ્રમ્પની ચીન પર રહેમનજર! ટેરિફ ઘટાડ્યો, આ મહત્વપૂર્ણ કરાર પણ કર્યો



