‘….તો ઉંચો ટેરિફ ચૂકવતા રહો!’ ટ્રમ્પે ભારતને ફરી ધમકી આપી, PM મોદી સાથે વાત કર્યાનો દાવો

વોશિંગ્ટન ડીસી: ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતું હોવાથી નારાજ થયેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25% ટેરીફ ઝીંક્યો છે. તાજેતરમાં તેમણે એવો દાવો કર્યો હતો કે ભારતના વડાપ્રધાન મોદી રશિયા પાસેથી પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા તૈયાર થયા છે. ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આ દાવાને ફગાવી દીધો હતો. એવામાં ટ્રમ્પે ફરી એક વાર એવો જ દાવો કર્યો છે અને ભારતને ધમકી આપી છે.
યુએસ રાષ્ટ્રપતિના સત્તાવાર એરક્રાફ્ટ એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વચન આપ્યું છે કે ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ નહીં ખરીદે. નોંધનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં ટ્રમ્પે આ ત્રીજી વાર આવો દાવો કર્યો છે.
ભારતને ફરી ધમકી આપી:
પત્રકારોએ જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ભારત સરકાર તો કહી રહી છે કે રશિયન પેટ્રોલિયમની ખરીદી અંગે તેમની અને મોદી વચ્ચે ફોન પર વાતચીત થઈ નથી. જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું: “જો તેઓ એવું જ કહેવા ઇચ્છતા હોય, તો તેઓ વધુ ટેરિફ ચૂકવતા રહેશે.”
ભારત પર વધારાનો ટેરીફ:
ગત ઓગસ્ટ મહિનામાં ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતથી યુએસમાં આયાત થતી પેદાશો પર 25 ટકા ટેરીફ લાગુ કર્યો હતો. ભારત રશિયા સાથે વેપાર કરતુ હોવાથી વધારાનો 25 ટકા ટેરીફ પેનલ્ટી તરીકે લાગુ કર્યો, આમ 50 ટેરીફને કારણે ભારતના નિકાસકારોને ભારે આર્થીક ફટકો પડ્યો છે.
હાલ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે ટ્રમ્પની આ ટીપ્પણી મહત્વની છે.
ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ અગાઉ દાવો કર્યો હતો કે યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન પેટ્રોલિયમ ખરીદીને ભારતે રશિયાને મોટો ફાયદો કરાવ્યો છે. રશિયાએ આ નાણાનો ઉપયોગ યુક્રેન સામે યુદ્ધ માટે કર્યો. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી ભારતે પેટ્રોલિયમની ખરીદી વધારી હતી.
આપણ વાંચો: Video: હોંગકોંગમાં મોટી વિમાન દુર્ઘટના; વિમાન રનવે પરથી સરકીને દરિયામાં ખાબક્યું, 2ના મોત