44 કરોડ રૂપિયા આપો અને અમેરિકાની નાગરિકતા મેળવો! ટ્રમ્પે ‘ગોલ્ડન કાર્ડ’ વિઝા વેબ સાઇટ લોન્ચ કરી

વોશિંગ્ટન ડી સી: આ વર્ષે ફેબ્રુઆરીમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રનટ્સને દેશ નિકાલ કરવાની કાર્યવાહીને ઝડપી બનાવી હતી. આ સાથે યુએસની નાગરિકતા મેળવવા ઈચ્છતા લોકો માટે ટ્રમ્પે ‘ગોલ્ડ કાર્ડ’ અથવા ‘ગોલ્ડન વિઝા’ એક સરળ પણ ખર્ચાળ વિકલ્પ રજુ કર્યો હતો. આ યોજના અંતર્ગત 5 મિલિયન ડોલર એટલે કે લગભગ 44 કરોડ રૂપિયા આપેને યુએસની સીટીઝન મેળવી શકાય છે. ટ્રમ્પે ગુરુવારે આ માટે વેઇટલિસ્ટ વેબસાઇટ લોન્ચ (Trump launched Golden card website) કરી છે.
આ યોજના દ્વારા ધનિક લોકોને અમેરિકામાં કાયમી ધોરણે રહેવાની મંજુરી મળી શકે છે. ગોલ્ડન કાર્ડ માટે સાઈન અપ કરવા trumpcard.gov લાઇવ થઈ ગઈ છે, જ્યાં રસ ધરાવતા અરજદારો અરજી કરી શકે છે. જોકે, આ નાણા ચુકવવા માત્રથી અરજદારને અમેરિકન નાગરિકતા નહીં મળી જાય, પરંતુ નાગરિકતા મેળવવા તરફ આ પ્રથમ પગલું જ છે. ટ્રમ્પે આ કાર્ડ અંગે અગાઉ કહ્યું હતું કે “આ થોડું ગ્રીન કાર્ડ જેવું, પણ ઉચ્ચ સ્તરના સોફિસ્ટિકેશન સાથે”.
‘ટ્રમ્પ કાર્ડ આવી આવી રહ્યું છે’
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, “પાંચ મિલિયન ડોલરમાં, ટ્રમ્પ કાર્ડ આવી રહ્યું છે! હજારો લોકો ફોન કરીને પૂછી રહ્યા છે કે તેઓ વિશ્વના સૌથી મહાન દેશ અને બજારમાં પ્રવેશ મેળવવા માટેના સુંદર રસ્તા માટે કેવી રીતે અરજી કરી શકે છે.”
અરજી માટે શરૂ થયેલી વેબસાઇટ પર ચળકતા, સોનેરી રંગના કાર્ડ ટ્રમ્પનો ચહેરો જોવા મળે છે. અરજદારોએ તેમનું નામ, પ્રદેશ, ઇમેઇલ એડ્રેસ અને તેઓ વ્યક્તિગત રીતે અરજી કરી રહ્યા છે કે વ્યવસાય વતી, જેવી મૂળભૂત વિગતો દાખલ કરવાની રહેશે.
નવી વેબસાઇટ મુજબ યુરોપ, એશિયા (મધ્ય પૂર્વ સહિત), ઉત્તર અમેરિકા, ઓશનિયા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા, કેરેબિયન અને આફ્રિકાના લોકો અરજી કરી શકે છે.
અરજદારોની રુચિને જોતા, આગામી દિવસોમાં ગોલ્ડ કાર્ડનું વેચાણ શરૂ કરવામાં આવશે. અરજદારોને ગોલ્ડ કાર્ડ ખરીદવા માટે જરૂરી દસ્તાવેજો વિશે ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે. અરજદારોને તેમની યોગ્યતા ચકાસ્યા પછી જ આ ગોલ્ડ કાર્ડ આપવામાં આવશે.
ટૂંક સમયમાં વધુ વિગતો આપવામાં આવશે:
ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કોંગ્રેસની મંજૂરી નથી લઇ રહ્યા કારણ કે તેઓ ગોલ્ડ કાર્ડ ખરીદનારાઓને નાગરિકતા નથી આપી રહ્યા, ગોલ્ડ કાર્ડ નાગરિકતા મેળવવા તરફનો માર્ગ છે. અઢળક નાણા ચૂકવીને કાર્ડ ખરીદ્યા બાદ નાગરિકતા મેળવવા માટે શું આવશ્યકતાઓ હશે તે હજુ સ્પષ્ટ નથી. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું છે કે ટૂંક સમયમાં વધુ વિગતો આપવામાં આવશે.
આ પણ વાંચો…લોસ એન્જલસમાં હિંસા બેકાબુ: પ્રદર્શનકારીઓએ Apple Storeમાં લૂંટ ચલાવી, ગાડીઓને આગ ચાંપી…