ઇન્ટરનેશનલ

યુએસમાં વિદેશી ફિલ્મો પર 100% ટેરિફ લાગશે! ટ્રમ્પની જાહેરાતથી ખળભળાટ…

લોસ એન્જલસ: આ વર્ષે જાન્યુઆરીમાં બીજી વાર યુએસ રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ મામલે સતત ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે, જેની માઠી અસર વૈશ્વિક વેપાર પર પડી રહી છે. એવામાં તેમણે સોમવારે એક મોટી જાહેરાત કરી હતી, જેની સીધી અસર એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર થશે. તેમણે યુએસની બહાર બનેલી ફિલ્મો પર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને ફિલ્મો પર ટેરીફ લગાવવાની જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો કે યુએસ ફિલ્મ નિર્માણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે પોતાનું સ્થાન ગુમાવી રહ્યું છે.

ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું, “જેમ કોઈ બાળક પાસેથી કેન્ડી છીનવી લેવામાં આવે, તેમ આપણો ફિલ્મ પ્રોડક્શન બિઝનેસ અન્ય દેશો દ્વારા ચોરી લેવામાં આવ્યો છે. નબળા ગવર્નરને કારણે કેલિફોર્નિયા ગંભીર રીતે પ્રભાવિત થયું છે. તેથી, આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હું યુનાઇટેડ સ્ટેટ્સની બહાર બનેલી બધી ફિલ્મો પર 100% ટેરિફ લાદીશ.”

વધુ સ્પષ્ટતાની રાહ:
ક્યા કાયદાકીય અધિકારને આધારે વિદેશી ફિલ્મો પર ટેરિફ લાદશે તે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી. ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પરની ફિલ્મો પર ટેરીફ લાગશે કે માત્ર સિનેમા ઘરોમાં રિલીઝ થતી ફિલ્મો પર એ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઇન્ટરનેશનલ કો-પ્રોડક્શન પર ટેરીફ લાગશે કે નહીં એ બાબત પણ સ્પષ્ટ કરવામાં આવી નથી. ટેરિફ કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે વ્હાઇટ હાઉસે હજુ વિગતો જાહેર કરી નથી.

વોર્નર બ્રધર્સ ડિસ્કવરી, કોમકાસ્ટ, પેરામાઉન્ટ સ્કાયડાન્સ અને નેટફ્લિક્સ જેવી દિગ્ગજ અમેરિકન સ્ટુડીયો એ તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.

શરૂઆતના ટ્રેડિંગમાં નેટફ્લિક્સના શેર 1.5% નો ઘટાડો નોંધાયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આયાતી ફર્નિચર પર ભારે ટેરીફ લાડવાના પણ સંકેત આપ્યા છે.

આ પણ વાંચો…અમેરિકામાં 1 લાખથી યુએસ ફેડરલ કર્મચારીઓની નોકરી જોખમમાં, જાણો શું છે કારણ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button