ડૉનાલ્ડ ટ્રમ્પે 7 દેશો માટે નવા ટેરિફ દરો જાહેર કર્યા, શ્રીલંકા, ઇરાક, અલ્જીરિયા, લિબિયા પર 30 ટકા ટેરિફ લદાયો…

વોશિંગટન ડીસી: 25 એપ્રિલે ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે તમામ દેશોને 90 દિવસની રાહત આપવામાં આવી હતી. આજે આ રાહતનો છેલ્લો દિવસ હતો. પરંતુ 7 જુલાઈના રોજ તેની મુદ્દત 1 ઓગસ્ટ 2025 સુધી લંબાવવામાં આવી હતી. પરંતુ આજે ડૉનાલ્ડ ટ્રમ્પે અલ્જીરિયા, બ્રુનેઈ, ઇરાક, લિબિયા, શ્રીલંકા, મોલ્ડોવા અને ફિલિપાઇન્સ માટે નવા ટેરિફ દરો જાહેર કર્યા છે.
7 દેશો માટે નવા ટેરિફ દરોની જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે અલ્જીરિયા પર 30 ટકા, બ્રુનેઈ પર 25 ટકા, શ્રીલંકા પર 30 ટકા, ઇરાક પર 30 ટકા, લિબિયા પર 30 ટકા, ફિલિપાઇન્સ પર 20 ટકા અને મોલ્ડોવા પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટ, 2025 થી આ બધા દેશો પર નવા ટેરિફ દર લાગુ થશે. આ અગાઉ સોમવારે ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે નવા ટેરિફ દર અંગે જાપાન અને દક્ષિણ આફ્રિકાને પણ પત્રો મોકલ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, “જાપાન અને દક્ષિણ કોરિયા સાથે સતત વેપાર અસંતુલનને કારણે આ ટેરિફ લાદવામાં આવી રહ્યો છે.” ટ્રમ્પે આ મહિને કુલ 14 દેશોને નવા ટેરિફ દરો અંગે પત્રો મોકલ્યા છે. આ પત્રો દ્વારા ટ્રમ્પે વિવિધ દેશો પર 20 ટકાથી 40 ટકા સુધીના ટેરિફ લાદ્યા છે.
1 ઓગસ્ટથી નવા ટેરિફ દર લાગુ થશે
7 જુલાઈના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે એક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે, પાછલા મહિનાઓમાં જાહેર કરાયેલા ઊંચા ટેરિફ દરો 1 ઓગસ્ટથી કોઈપણ વિલંબ વિના લાગુ કરવામાં આવશે, કારણ કે અમેરિકા ઘણી ટ્રેડ ડીલ પૂર્ણ કરવાને આરે છે. રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે બધા દેશો માટે નવા ટેરિફ દરોની જાહેરાત કરી હતી.
બ્રિક્સ દેશો પર 10% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ટ્રમ્પે બ્રિક્સ દેશો પર યુએસ ડોલરને નબળો પાડવાનો આરોપ લગાવતા તેના પર 10% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. ભારત અને અમેરિકા ટ્રેડ ડીલની ખૂબ નજીક આવી ગયા હતા એવા સમયે ડૉનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત પણ બ્રિક્સ દેશોનું સભ્ય છે. બ્રિક્સ દેશોમાં ભારત અને ચીન સહિત કુલ 11 દેશો છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, યુએઈ, ઇથોપિયા, ઇન્ડોનેશિયા અને ઈરાનનો સમાવેશ થાય છે.