પેટ્રોલિયમ ખરીદવા પર ટ્રમ્પની ફરી દખલગીરી; ભારત અને રશિયાએ આપ્યો વળતો જવાબ

નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી પેટ્રોલીયમ ના ખરીદવા ભારત પર દબાણ કરી રહ્યા છે, અગાઉ ભારતીય અધિકારીઓ સ્પષ્ટ કરી ચુક્યા છે કે ભારત પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. એવામાં ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતના વડાપ્રધાન મોદી રશિયન પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા તૈયાર થયા છે. ટ્રમ્પના દાવાનો ભારત અને રશિયાએ સ્પષ્ટ જવાબ આપ્યો છે.
ભારતે ટ્રમ્પને જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે અસ્થિર ઊર્જા પરિસ્થિતિ વચ્ચે ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું એ સરકારની પ્રાથમિકતા છે, જેને ધ્યાનમાં રાખીને દેશની ઊર્જા આયાત કરવામાં આવે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત પેટ્રોલિયમ અને ગેસની મોટા પ્રમાણમાં આયાત કરે છે. અસ્થિર ઊર્જા પરિસ્થિતિમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું એ અમારી સતત પ્રાથમિકતા રહી છે. અમારી ઈમ્પોર્ટ પોલિસી સંપૂર્ણપણે આ ઉદ્દેશ્યને આધારે બનાવવામાં આવે છે.
રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત વર્ષોથી તેની ઉર્જા ખરીદીનો વિસ્તાર કરવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે એનર્જી કોઓપરેશન અંગે યુએસ સાથે વાતચીત ચાલી રહી છે.
રશિયાનો ટ્રમ્પને જવાબ:
રશિયાએ પણ ટ્રમ્પના દાવા અંગે પ્રતિક્રિયા આપી છે. રશિયાએ કહ્યું કે રશિયન પેટ્રોલિયમ ભારતીય અર્થતંત્ર માટે ફાયદાકારક છે, પરંતુ મોસ્કો યુએસ અને ભારત વચ્ચે દખલ કરશે નહીં.
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું, “ભારત અને યુએસ તેમના નિર્ણયોમાં સ્વતંત્ર છે, અમે તેમના મુદ્દાઓમાં દખલ નહીં કરીએ. અમારો પેટ્રોલિયમ પુરવઠો ભારતીય અર્થતંત્ર અને ભારતીય લોકોના વેલફેર માટે ખૂબ ફાયદાકારક છે.”
આપણ વાંચો: UKએ રશિયાની પેટ્રોલિયમ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો, ભારત પર દબાણ વધ્યું