ડોમિનિકન રિપબ્લિકમા નાઈટ ક્લબની છત ધરાશાયી, 184 લોકોના મોત અનેક ઘાયલ…

નવી દિલ્હી : ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સાન્ટો ડોમિંગોમાં એક નાઈટ ક્લબની છત ધરાશાયી 184 લોકોના મોત થયા છે અને અનેક લોકો પણ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવાર અને મંગળવાર રાત્રિ દરમિયાન સાન્ટો ડોમિંગોનું પ્રખ્યાત જેટ સેટ નાઇટક્લબ ગાયકો, સંગીત ચાહકો, રમતવીરો અને સરકારી અધિકારીઓથી ભરેલું હતું. તેમણે કહ્યું કે મેરેંગ્યુ ગાયિકા રૂબી પેરેઝ સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી ત્યારે નાઈટક્લબની છત પરથી પોપડા પડવાનું શરૂ થયું અને થોડીવારમાં જ આખી છત તૂટી પડી.
બચાવ ટીમો કાટમાળમાંથી એવા લોકોની શોધ કરી રહી છે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, છત તૂટી પડતાં ડાન્સ ફ્લોર પર નાચતા 184 લોકો માર્યા ગયા હતા. જ્યારે ડઝનબંધ લોકો કાટમાળ નીચે દટાયા હતા. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં સેંકડો લોકો ઘાયલ થયા છે. ઇમરજન્સી ઓપરેશન્સ ડિરેક્ટર મેન્યુઅલ મેન્ડેઝે જણાવ્યું હતું કે બચાવ ટીમો કાટમાળમાંથી એવા લોકોની શોધ કરી રહી છે જે હજુ પણ જીવિત હોઈ શકે છે. અત્યાર સુધીમાં ફક્ત 54 લોકોની ઓળખ થઈ છે.
ઇઝરાયલની બચાવ ટીમો પણ ડોમિનિકન રિપબ્લિક પહોંચી
અધિકારીઓએ જણાવ્યું હતું કે 28 મૃતકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કાટમાળમાંથી 145 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે પ્યુઅર્ટો રિકો અને ઇઝરાયલની બચાવ ટીમો પણ ડોમિનિકન રિપબ્લિક પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: ગાઝામાં ઇઝરાયેલી આર્મીનું ઘૃણાસ્પદ કૃત્ય; યુએનના 15 મેડિકલ કર્મચારીઓની નિર્મમ હત્યા, મૃતદેહો સાથે ક્રૂરતા
રાષ્ટ્રપતિ લુઈસ અબિનાડેરે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
જોકે, નાઈટક્લબની છત પડવાનું કારણ હાલમાં સ્પષ્ટ નથી. જેટ સેટ નાઈટક્લબ બિલ્ડિંગનું છેલ્લે ક્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તે અંગે પણ કોઈ માહિતી નથી. નાઈટક્લબે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તે અધિકારીઓ સાથે સહયોગ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ લુઈસ અબિનાડેરે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.