અમેરિકાના કેલિફોર્નિયામાં ‘દિવાળી’ સત્તાવાર રજા જાહેર

ન્યૂયોર્કઃ અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે એક ઐતિહાસિક ઘટનાક્રમમાં કેલિફોર્નિયાએ દિવાળીને સત્તાવાર રાજ્ય રજા જાહેર કરી છે. આ સાથે કેલિફોર્નિયા ભારતના ઉજાસના આ પર્વને સત્તાવાર માન્યતા આપનાર અમેરિકાનું ત્રીજું રાજ્ય બન્યું છે.
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમે જાહેરાત કરી કે તેમણે વિધાનસભા સભ્ય એશ કાલરા દ્વારા દિવાળીને રાજ્ય રજા ઘોષિત કરવાના બિલ પર હસ્તાક્ષર કર્યા છે. દિવાળીને સત્તાવાર રાજ્ય રજા જાહેર કરનાર ‘એબી ૨૬૮’ નામનું બિલ સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયા વિધાનસભાના બંને ગૃહોમાંથી સફળતાપૂર્વક પસાર થયું હતું અને ન્યૂસોમ દ્વારા અંતિમ નિર્ણયની રાહ જોવાઇ રહી હતી.
કાલરાએ ગયા મહિને જણાવ્યું હતું કે કેલિફોર્નિયામાં ભારતીય અમેરિકનોની સૌથી વધુ વસ્તી રહે છે. જેથી દિવાળીને સત્તાવાર રાજ્ય રજા જાહેર કરવાથી લાખો કેલિફોર્નિયાવાસીઓ સુધી આ સંદેશ પહોંચશે, જેઓ આ તહેવારની ઉજવણી કરે છે. જેથી આપણા વૈવિધ્યસભર રાજ્યમાં ઘણા લોકોને તેનો પરિચય કરાવવામાં મદદ મળશે.
ઓક્ટોબર ૨૦૨૪માં પેન્સિલવેનિયા દિવાળીને સત્તાવાર રાજ્ય રજા તરીકે માન્યતા આપનાર પ્રથમ રાજ્ય બન્યું હતું. ત્યારબાદ આ વર્ષે ક્નેક્ટિકટે પણ આ નિર્ણય લીધો છે. ન્યૂયોર્ક શહેરમાં પબ્લિક સ્કૂલમાં દિવાળીને રજા જાહેર કરવામાં આવી છે. સમુદાયના નેતાઓ અને અગ્રણી પ્રવાસી સંગઠનોએ દિવાળીને રાજ્ય રજા જાહેર કરવાની કેલિફોર્નિયાની ઘોષણાનું સ્વાગત કર્યું છે.
આપણ વાંચો : પાકિસ્તાનમાં આતંકવાદી હુમલોઃ લેફ્ટનન્ટ કર્નલ, મેજર સહિત 11 જવાનનાં મોત