ટ્રમ્પ દુનિયાનો નકશો બદલીને રહેશે! ડેનમાર્કના વાંધા છતાં ગ્રીનલેન્ડ અંગે કહી આ વાત

વોશિંગ્ટન ડીસી: શનિવારે દક્ષિણ અમેરિકા ખંડના દેશ વેનેઝુએલા પર હુમલો કરીને યુએસ સેનાએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યું હતું, આ હુમલાને દુનિયાના ઘણાં દેશો વખોડી રહ્યા છે. એવામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર હવે ડેનમાર્ક કિંગડમના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ પર છે. ડેનમાર્કના વડા પ્રધાને ટ્રમ્પને ધમકી આપવાનું બંધ કરવાનું કહ્યું હતું, પરંતુ ટ્રમ્પને તેનાથી કોઈ ફરક પડ્યો હોય એવું લાગતું નથી, તેમણે ફરી એકવાર ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો.
ડેનમાર્કના વડા પ્રધાને મેટ્ટે ફ્રેડરિકસે ટ્રમ્પને અપીલ કરી હતી કે તેઓ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપવાનું બંધ કરે. આજે સોમવારે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પે ગ્રીનલેન્ડ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.
ટ્રમ્પે કહ્યું, “હું ગ્રીનલેન્ડ વિશે કહેવા ઈચ્છું છું કે ષ્ટ્રીય સુરક્ષાના માટે આપણને ગ્રીનલેન્ડની જરૂર છે. તે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનો પ્રદેશ છે. ગ્રીનલેન્ડ ચારે બાજુ રશિયન અને ચીની જહાજોથી ઘેરાયેલું છે.”
ટ્રમ્પનો દાવો:
ટ્રમ્પ લાંબા સમયથી ગ્રીનલેન્ડ પર યુએસના અધિકારની વાત કરતા આવ્યા છે. અગાઉ એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું, “અમને ગ્રીનલેન્ડની ચોક્કસ જરૂર છે, તે સંરક્ષણ માટે ખુબજ જરૂરી છે.”
માર્ચમાં યુએસના ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સે ગ્રીનલેન્ડમાં આવેલા યુએસ મીલીટરી બેઝની મુલાકાત લીધી અને ડેનમાર્ક આરોપ લગાવ્યો તેઓ ત્યાં ઓછું રોકાણ કરી રહ્યા છે.
ડેનમાર્કની પ્રતિક્રિયા:
ટ્રમ્પની આ ટીપ્પણી બાદ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડમાં ખળભળાટ મચી ગયો છે. ડેન્માર્કના વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસે કહ્યું: “યુએસને ગ્રીનલેન્ડ પર કબજો કરવાની જરૂર છે એ અંગે વાત કરવાનો કોઈ અર્થ નથી. યુ.એસ.ને ડેનિશ કિંગડમના ત્રણમાંથી કોઈપણ દેશ અંગે વાત કરવાનો કોઈ અધિકાર નથી.”
ગ્રીનલેન્ડના વડા પ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને કહ્યું હતું કે “યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જ્યારે એવું કહે છે કે ‘આપણને ગ્રીનલેન્ડની જરૂર છે’ અને ગ્રીનલેન્ડને વેનેઝુએલા અને લશ્કરી હસ્તક્ષેપ સાથે જોડે છે, એ માત્ર અયોગ્ય જ નથી, અપમાનજનક પણ છે.”
આ પણ વાંચો…ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની આપી ધમકી, પીએમ મોદીને લઈ કહી આ વાત



