શેખ હસીનાને મૃત્યુદંડ આપો: બાંગ્લાદેશમાં કોણે અને શા માટે કરી આવી માંગ?

ઢાકા/નવી દિલ્હી: બાંગ્લાદેશમાં તખ્તાપલટની પરિસ્થિતિ ઊભી થયા બાદ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટ, 2024ના રોજ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. જોકે તેઓને બાંગ્લાદેશમાં આરોપી બનાવવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) ના મુખ્ય ફરિયાદી મોહમ્મદ તાજુલ ઇસ્લામે ગુરુવારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ કડક કાર્યવાહી અને મૃત્યુદંડની માંગ કરી છે. તેમના પર ગયા વર્ષે (2024)ના લોકપ્રિય બળવા દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ અને સામૂહિક હત્યાકાંડ કરાવવાનો આરોપ છે.
શેખ હસીના નિર્દય ગુનેગાર છે
ફરિયાદી તાજુલ ઇસ્લામે શેખ હસીનાને “બધા ગુનાઓનો મુખ્ય સૂત્રધાર” ગણાવ્યા છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ ઓફિસના અહેવાલ મુજબ, 15 જુલાઈથી 15 ઓગસ્ટ, 2024 દરમિયાન હસીના સરકારના આદેશથી સુરક્ષા દળોના ઓપરેશનમાં આશરે 1400 લોકો માર્યા ગયા હતા. બાંગ્લાદેશી મીડિયાને તાજુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, “શેખ હસીના બધા ગુનાઓની મુખ્ય સૂત્રધાર છે. તે એક નિર્દય ગુનેગાર છે અને તેના કૃત્યો માટે કોઈ પસ્તાવો નથી કરતી. તેને મહત્તમ સજા મળવી જોઈએ… તેને 1400 વાર ફાંસી આપવી જોઈતી હતી. જોકે તે શક્ય નથી, તેથી મહત્તમ સજા જરૂરી છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ પોતાના દેશવાસીઓને આ રીતે મારી ન શકે.”
અન્ય આરોપીઓ અને રાજકીય બદલાનો આરોપ
તાજુલ ઇસ્લામે તત્કાલીન ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલ માટે પણ સજાની માંગ કરી હતી. તાજુલ ઇસ્લામે સદુઝ્ઝમાન ખાન કમાલને 2024ના જન આંદોલનને દબાવવા માટે જવાબદાર તથા “ગેંગ ઓફ ફોર”નો ભાગ ગણાવવામાં આવ્યા છે. જોકે, હસીનાના સમર્થકો આ આરોપોને રાજકીય બદલો લેવાથી પ્રેરિત ગણાવી રહ્યા છે. આ અંગે હસીના કે તેમના પક્ષ, અવામી લીગ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. બીજી તરફ, ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુને પોતાનો ગુનો કબૂલીને કેસમાં સરકારી સાક્ષી બન્યા છે.