કમ્યુનિસ્ટ પાગલ, હું ન્યૂ યોર્કને તબાહ થવા દઈશ નહીંઃ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ
મમદાનીનું નામ લીધા વિના પોસ્ટ કરીને કમ્યુનિસ્ટ પર મોટો પ્રહાર

વોશિંગટન ડીસી: છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં પોતાની ભૂમિકા સાબિત કરી બતાવી હતી. હવે તેઓ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ‘Communist Lunatic’ (કમ્યુનિસ્ટ પાગલ)ને લઈને સમાચારોમાં આવ્યા છે.
ડૉનાલ્ડ ટ્રમ્પે કોને કમ્યુનિસ્ટ પાગલ કહ્યા?
ટ્રુથ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પોતાની પોસ્ટમાં ડૉનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, “યુએસના રાષ્ટ્રપતિ તરીકે, હું આ કમ્યુનિસ્ટ પાગલને ન્યૂ યોર્કનો નાશ કરવા દઇશ નહીં. મારી પાસે બધા જ લીવર્સ અને બધા જ કાર્ડ છે. હું ન્યુ યોર્ક શહેરને બચાવીશ અને તેને ફરીથી “હોટ” અને “ગ્રેટ” બનાવીશ. જેવું મેં યુએસએ સાથે કર્યું હતું.”
પોતાની પોસ્ટમાં ડૉનાલ્ડ ટ્રમ્પે કોઈ વ્યક્તિનું નામ લીધુ નથી. પરંતુ ન્યૂ યોર્ક શહેરનું નામ લઈને તેમણે પોતાની પોસ્ટ શહેરના મેયર પદના ઉમેદવાર વિશે છે, એવો ઈશારો કરી દીધો છે. ડેમોક્રેટિક પાર્ટીના જોહરાન મમદાની હાલ ન્યુ યોર્ક રાજ્ય વિધાનસભાના સભ્ય છે. સાથોસાથ હવે તેઓને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ન્યુ યોર્કના મેયર પદના ઉમેદવાર બન્યા છે.
ડૉનાલ્ડ ટ્રમ્પને મમદાની સાથે શું વાંધો છે?
મમદાનીના મેયર પદના ઉમેદવાર બન્યા બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે તેને કમ્યુનિસ્ટ, અસમર્થ અને ખતરનાક નેતા ગણાવીને શાબ્દિક પ્રહારો શરૂ કરી દીધા છે. આ સિવાય ડૉનાલ્ડ ટ્રમ્પના સમર્થકો, રિપબ્લિકન પાર્ટના નેતાઓ અને જમણેરીઓ જોહરાન મમદાનીની અમેરિકન નાગરિકતા રદ્દ કરી તેને દેશની બહાર હાંકી કાઢવાની માંગ કરી રહ્યા છે.
જોહરાન મમદાનીના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટને(ICE) ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ અટકાવવાના પગલાને લઈને ટ્રમ્પ વધુ આક્રમક બન્યા છે. તેમણે જણાવ્યું કે, “જો તે સંઘીય એજન્સીની વાત નહીં માને તો અમારે તેમની ધરપકડ કરવી પડશે. અમે પોતાના દેશમાં એક કમ્યુનિસ્ટ જોઈતો નથી. જો તે છે, તો હું તેની ગતિવિધિ પર કડક નજર રાખીશ.”
મમદાનીનો ડૉનાલ્ડ ટ્રમ્પને જવાબ
ડૉનાલ્ડ ટ્રમ્પની ધમકીને તાનાશાહી ગણાવતા જોહરાન મમદાનીએ જણાવ્યું કે, “હું ડરવાનો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ મને ધરપકડ કરવાની, નાગરિકતા છીનવી લેવાની, ડિટેન્શન કેમ્પમાં મોકલવાની અને નિર્વાસિત કરવવાની ધમકી આપી છે. એ પણ એના કારણ કે, હું ICEને અમારા શહેરમાં દહેશત ફેલાવવા દઈશ નહી. આ સત્તાનો દુરુપયોગ છે.”
ઉલ્લેખનીય છે કે, જોહરાન મમદાની ફિલ્મમેકર મીરા નાયરન પુત્ર છે. તેઓનો જન્મ યુગાન્ડાના કંપાલામાં થયો હતો. ન્યૂ યોર્ક શહેરના મેયર પદના ઉમેદવાર બન્યા બાદ તેઓ ચર્ચમાં આવ્યા છે. જો તેઓ ચૂંટણી જીત્યા તો તે અમેરિકાના પહેલા દક્ષિણ-એશિયાઇ મૂળના ન્યુ યોર્કના મેયર બનશે.