દરિયામાં પાકિસ્તાન નેવી અને ભારતીય માછીમારો વચ્ચે અથડામણ, બંને તરફથી એક-એકનું મોત

ગુજરાતના બેટ દ્વારકાના અલ હુસૈનીમાં ભારતીય માછીમારી બોટ અને પાકિસ્તાની નેવીની બોટ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક ભારતીય માછીમાર અને પાકિસ્તાની નેવીના એક ખલાસીનું મોત થયું હતું.
ભારતીય બોટ પાકિસ્તાનની જળસીમામાં ઘૂસી ગઈ હતી, ત્યારબાદ પાકિસ્તાન નેવી અને ભારતીય માછીમારો વચ્ચે સમુદ્રની વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને પક્ષે એક-એકનું મોત થયું છે. ભારતીય બોટમાં 7 માછીમારો હતા જેમાંથી એક મૃત હાલતમાં મળી આવ્યો હતો અને બાકીના છ હજુ પણ લાપતા છે.
ભારતીય માછીમારી નૌકા 15 માર્ચના રોજ માછીમારી માટે 7 માંછીમારો સાથે બેટ દ્વારકાથી રવાના થઈ હતી. 21 માર્ચ 2024ના રોજ નૌકા જખૌથી 12 નોટિકલ માઈલના અંતરે નુકસાનગ્રસ્ત થઈ ગઈ હતી, ત્યાર બાદ બોટ માલિકે ઓખા ફિશરીઝને લેખિતમાં સુચના આપી હતી.
આપણ વાંચો: પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં આત્મઘાતી હુમલોઃ પાંચ ચીની નાગરિક સહિત છનાં મોત
નૌકાના માલિક ઈરફાન અલાનાએ સ્વિકાર્યુ કે 7માંથી 2 માછિમારો 18 વર્ષથી ઓછી વયના હતા જે હાલ લાપતા છે. નૌકા તુટેલી અવસ્થામાં મળી છે, 7માંથી એક માછિમારી મૃત હાલતમાં મળી આવ્યો છે બાકીના 6 હજુ પણ લાપતા છે. મૃતક માંછીમાર સયાલ મામાદ પંજારીનું દ્વારકાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે.
ભારતીય સુરક્ષા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય બોટ માછીમારી કરતી વખતે પાકિસ્તાનના જળસીમામાં ઘુસી ગઈ હતી અને પાકિસ્તાન મરીન એજન્સીની બોટ તેમને પકડવા પહોંચી હતી, જેને જોઈને આ લોકો ભાગ્યા હતા અને બંને બોટ અથડાઈ હતી.
આ અથડામણમાં પાકિસ્તાની મરીન એજન્સીનો એક ખલાસી અને ભારતીય બોટના બે લોકો દરિયામાં પડ્યા હતા. જેમાં એક પાકિસ્તાની નાવિકનું મૃત્યુ થયું હતું અને ગઈ કાલે એક ભારતીય માછીમારનો મૃતદેહ પણ પાણીમાંથી મળી આવ્યો હતો. જેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે 6 ભારતીય માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં છે.