CIA પૂર્વ અધિકારીનો ધડાકો: પાકિસ્તાન, સાઉદી અને અમેરિકાના સંબંધોનું કાળું સત્ય બહાર આવ્યું…

અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએના પૂર્વ અધિકારી જ્હોન કિરિયાકુએ પાકિસ્તાન, સાઉદી અરબ અને દક્ષિણ એશિયાની રાજનીતિના ઘણા રહસ્યો ખોલી નાખ્યા છે. તેણે કહ્યું કે અમેરિકાએ અબજો ડોલરની મદદ આપીને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ‘ખરીદી’ લીધા હતા અને એક સમયે પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર પણ અમેરિકાનું નિયંત્રણ હતું. આ ખુલાસાઓએ આંતરરાષ્ટ્રીય સંબંધોની અંદરની વાતોને બહાર લાવી છે.
સીઆઈએમાં 15 વર્ષ કામ કરનાર કિરિયાકુએ જણાવ્યું કે અમેરિકા તાનાશાહો સાથે કામ કરવું પસંદ કરે છે કારણ કે ત્યાં જનતા કે મીડિયાનો દબાણ નથી. મુશર્રફને અમેરિકાએ પૈસા આપીને પોતાના હિતમાં વાપર્યા હતા. તેઓ દેખીતી રીતે અમેરિકા સાથે આતંકવાદ વિરોધી લડતમાં હતા, પરંતુ પડદા પાછળ પાકિસ્તાની સેના અને આતંકી જૂથોને ભારત વિરુદ્ધ સક્રિય રાખતા હતા. પાકિસ્તાની સેનાને અલ-કાયદાની ચિંતા નહીં, પણ ભારતની ચિંતા વધુ હતી.
કિરિયાકુએ કહ્યું કે અમેરિકા પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાનને પકડવા તૈયાર હતું, પરંતુ સાઉદી અરબના કહેવાથી પાછળ હટી ગયું. સાઉદીએ કહ્યું કે ‘એને છોડો, અમે તેની સાથે કામ કરીએ છીએ.’ કિરિયાકુ માને છે કે સાઉદી પોતે પરમાણુ ક્ષમતા વધારવા માંગતું હતું, તેથી ખાનને બચાવ્યો. તાજેતરનો સાઉદી-પાકિસ્તાન રક્ષા કરાર પણ આ જૂના સંબંધનો ભાગ હોઈ શકે છે.
અમેરિકા લોકશાહીની વાતો કરે છે, પણ તેની વિદેશ નીતિ સ્વહિત પર આધારિત છે. સાઉદી સાથેનો સંબંધ ‘તેલ અને હથિયારો’ના આધારે છે – અમેરિકા તેલ ખરીદે છે અને સાઉદી હથિયારો. એક વખત સાઉદી ગાર્ડે કિરિયાકુને કહ્યું હતું કે ‘તમે અમારા ભાડાના રક્ષક છો, અમે પૈસા આપીને તમને બોલાવ્યા છીએ.’
હવે વિશ્વનું શક્તિ સંતુલન ઝડપથી બદલાઈ રહ્યું છે. અમેરિકાને પોતાનું તેલ છે, તેથી સાઉદીની જરૂર ઓછી પડી છે. સાઉદી હવે ચીન અને ભારત સાથે સંબંધો મજબૂત કરી રહ્યું છે. કિરિયાકુ કહે છે કે આખી દુનિયાની દિશા બદલાઈ રહી છે અને નવા ખેલાડીઓ મેદાનમાં આવી રહ્યા છે.




