ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અમેરિકા પહોંચ્યા, સાન ફ્રાન્સિસ્કોમાં બાઈડેન સાથે બેઠક
વોશિંગ્ટન ડીસી: ચીન-યુએસ સમિટ અને 30મી એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન(એપીઈસી)ની બેઠકમાં ભાગ લેવા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મંગળવારે યુએસએના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન બુધવારે સાન ફ્રાન્સિસ્કોમાં તેમના ચીની સમકક્ષ જિનપિંગ સાથે મુલાકાત કરશે. વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે બાઈડેન અને જિનપિંગ વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા પર ભાર મૂકવામાં આવશે.
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ બેઠકથી બંને વૈશ્વિક શક્તિઓ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નરમાઈ આવવાની શક્યતા નથી. પરંતુ વ્હાઇટ હાઉસના અધિકારીઓ વચ્ચે મહિનાઓ સુધી ચાલેલી વાતચીત બાદ યોજાનારી આ બેઠકને સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહી છે. અમેરિકાના અધિકારીઓનું માનવું છે કે ગેરસમજ દૂર કરવા, સંઘર્ષ ટાળવા અને બે વૈશ્વિક શક્તિઓ વચ્ચે સારા સ્પર્ધાત્મક સંબંધોને આગળ વધારવા માટે એક માળખું વિકસાવી શકાય છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને યુક્રેન યુદ્ધ પર બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થવાની આશા છે. રિપોર્ટ અનુસાર, વિદેશ નીતિની ટોચની પ્રાથમિકતાઓમાંની એક વોશિંગ્ટન-બેઇજિંગ સંબંધોમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની છે. બંને નેતાઓ બંને દેશો વચ્ચે સૈન્ય સંચાર પુનઃસ્થાપિત કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. બેઠકના કાર્યસૂચિમાં આબોહવા પરિવર્તન, માદક દ્રવ્યોની હેરાફેરી, માનવાધિકારના મુદ્દાઓ અને દક્ષિણ ચીન સાગરમાં અને તાઈવાનની આસપાસના સૈન્ય હલચલ પણ સામેલ છે.