ચીન-તાઈવાન તણાવ વધ્યોઃ 74 ફાઈટર જેટ્સ સામુદ્રધુનીમાં, યુદ્ધના ભણકારા?

બીજિંગઃ ઈરાન અને ઈઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચીને 19 જૂન, 2025ની રાતથી 20 જૂનની સવાર સુધી તાઈવાન તરફ 74 લડાકુ વિમાનો મોકલીને ખળભળાટ મચાવ્યો, જેમાંથી 61 વિમાનોએ તાઈવાન સામુદ્રધુનીની મધ્ય રેખા ઓળંગી ચૂક્યા છે. આ લડાકુ વિમાન ચીન અને તાઈવાન વચ્ચેની લાઈન અનૌપચારિક સૈન્ય વિભાજન ગણાઈ છે. આ ઘટનાને તાઈવાને ગંભીર ગણી છે અને તેની નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનનું આ પગલું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ચીને બે તબક્કામાં 74 ફાઈટર વિમાન તાઈવાનની સરહદ તરફ મોકલ્યા છે, જેમાંથી 61એ સામુદ્રધુનીની મધ્ય રેખા પાર કરી. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આ ઘટનાને ઉશ્કેરણીજનક ન ગણી, પરંતુ સતર્ક નિરીક્ષણની વાત કરી. ચીનના આ પગલાનું ચોક્કસ કારણ અસ્પષ્ટ છે, પરંતુ માનવામાં આવે છે કે તે તાઈવાન પર દબાણ બનાવવાની રણનીતિનો ભાગ પણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના એક દિવસ પહેલાં બ્રિટનનું નૌસેના જહાજ ‘HMS સ્પે’ તાઈવાન સામુદ્રધુનીમાંથી પસાર થયું હતું, જેને ચીને શાંતિ ભંગ કરનારું ગણાવ્યું.
ચીનનું મક્કમ વલણ
ચીન તાઈવાનને પોતાના પ્રદેશનો ભાગ માને છે અને અવારનવાર સૈન્ય કવાયતો દ્વારા દબાણ બનાવે છે. ‘HMS સ્પે’ના પસાર થવા પર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની પૂર્વી થિયેટર કમાન્ડે આકરી ટીકા કરી, જણાવ્યું કે આનાથી સામુદ્રધુનીની સ્થિરતા જોખમમાં મૂકાઈ. ચીને આ ઘટનાનું નિરીક્ષણ કર્યું અને સૈન્ય તૈનાતી વધારી. તાઈવાને આ જહાજના પસાર થવાનું સ્વાગત કર્યું, જણાવ્યું કે આ સામુદ્રધુની આંતરરાષ્ટ્રીય જળસીમા છે, જે UN સમુદ્રી કાયદા અનુસાર છે.
આ પણ વાંચો - ચીનના રહસ્યમય કાર્ગો પ્લેન ઈરાનમાં, હથિયારો હોવાની આશંકા!
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા
બ્રિટનના તાઈપે સ્થિત પ્રતિનિધિ કાર્યાલયે જણાવ્યું કે ‘HMS સ્પે’નું નૌવહન આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હતું. ચીનના આ 74 વિમાનોના પગલાંને ‘HMS સ્પે’ની હાજરીનો જવાબ માનવામાં આવે છે, પરંતુ આની સ્પષ્ટતા નથી. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ચીનની આ ચાલે વૈશ્વિકસ્તરે તણાવ વધાર્યો છે, અને તાઈવાન આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.