ઇન્ટરનેશનલ

ચીનમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ, 11 લોકોના મોત અને અનેક ઘાયલ

બેઇજિંગ: ચીનના દક્ષિણપશ્ચિમ યુનાન પ્રાંતની રાજધાની કુનમિંગમાં એક ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં 11 રેલ્વે કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત અંગે ચાઇના રેલ્વે કુનમિંગ ગ્રુપ કંપની લિમિટેડ દ્વારા માહિતી પણ શેર કરવામાં આવી છે. આ અકસ્માત કુનમિંગના લુયાંગઝેન રેલ્વે સ્ટેશન નજીક થયો છે. રેલવે ટ્રેકની રિપેર કામગારી ચાલી રહી હતી તે દરમિયાન એક માલગાડીએ કામદારોને ટક્કર મારી હતી.

સવારે 4:30 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો

આ રેલવે અકસ્માત અંગે વાત કરવામાં આવે તો, આજે સવારે 4:30 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સારવાર માટે સત્વરે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માતમાં 11 રેલવે કર્મચારીઓના મોત થયાં છે. જ્યારે બે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયાં છે, તેઓ પણ અત્યારે જિંદગી અને મરણ વચ્ચે જંગ લડી રહ્યાં છે. ચાઈના સરકાર દ્વારા આ મામલે તપાસ કરી કડક પગલા લેવાના આદેશ આપી દેવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : સાઉદી અરેબિયામાં ગોઝારો બસ અકસ્માત; 42 ભારતીય યાત્રાળુનાં મોત

સુરક્ષા પ્રોટોકોલના ઉલ્લંઘનના કારણે અકસ્માત થયો

અકસ્માત અંગેની પ્રાથમિક માહિતી પ્રમાણે આ અકસ્માત સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન અને સિગ્નલિંગ નિષ્ફળતા સૂચવે છે. રેલ્વે અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે અકસ્માત બાદ લુઆંગઝેન સ્ટેશન પર ટ્રેન કામગીરી થોડા કલાકોમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ અકસ્માતના કારણે કોઈ પણ પેસેન્જર ટ્રેનને અસર થઈ નથી. ચીનમાં આ પહેલા પણ રેલવે અકસ્માતો થયેલા છે. આ પહેલા 2024માં એક ટ્રેન અકસ્માતમાં 9 કર્મચારીઓનો જીવ ગયો હતો. તે દરમિયાન રેલવે વિભાગ દ્વારા મૃતકોના પરિવારને સહાય અને ઘાયલો માટે સારવારનો સંપૂર્ણ ખર્ચો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button