H1B VS K Visa: ચીને ભારતીયોને 'K વિઝા'નો વિકલ્પ આપ્યો, શું થશે ફાયદો? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

H1B VS K Visa: ચીને ભારતીયોને ‘K વિઝા’નો વિકલ્પ આપ્યો, શું થશે ફાયદો?

અમેરિકાની કડક વિઝા નીતિ સામે ચીનનું પગલું, 1 ઓક્ટોબરથી લાગુ થશે K વિઝા, કોને મળશે વિશેષ લાભ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં H-1B વિઝાના નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો હેઠળ H-1B વિઝાની ફી વધારીને 1,00,000 ડૉલર કરી દીધી છે, જે ભારતીય કરન્સીમાં આશરે રુપિયા 8.8 મિલિયન જેટલી રકમ થાય છે. અમેરિકાની આ નીતિથી ભારતીય વ્યાવસાયિકોની ચિંતા વધી છે, જેને લઈ હવે ચીને એક નવો વિકલ્પ શોધી કાઢ્યો છે.

ચીનના ‘K વિઝા’ કોને મળશે?

અમેરિકા હંમેશાં ભારતીય વ્યાવસાયિકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અત્યાર સુધીમાં H-1B વિઝા સ્લોટનો લગભગ 71 ટકા સ્લોટ ભારતીયોને મળતો હતો, પરંતુ નવા નિયમને કારણે H-1B વિઝા ફીમાં અચાનક થયેલા વધારાથી યુએસમાં કામ કરતા અથવા નોકરી શોધવા ઈચ્છતા ભારતીયો માટે મુશ્કેલી ઊભી થઈ છે. ઘણા લોકોને તેમની નોકરી ગુમાવવાનો અથવા દેશમાં પાછા ફરવાનો ડર છે. ત્યારે આવા સમયે ચીને તેના નવા ‘K વિઝા’ દ્વારા વૈશ્વિક પ્રતિભાને આકર્ષવા માટે તેના દરવાજા ખોલી નાખ્યા છે.

આ પણ વાંચો : અમેરિકામાં ગુજરાતીનો ‘U-Visa’ કાંડ: નકલી લૂંટ કરીને કરોડો કમાવ્યો, જેલની સજા મળી

અમેરિકાની આ નીતિની સામે ચીને વૈશ્વિક વ્યાવસાયિકોને આકર્ષવા માટે એક નવું પગલું ભર્યું છે. 1 ઓક્ટોબરથી ‘K વિઝા’ અમલમાં આવશે. ‘K વિઝા’ હેઠળ વિજ્ઞાન, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોના લાયક વ્યાવસાયિકો ચીનમાં નોકરીની ઓફર વગર પણ પ્રવેશ કરી શકશે અને પોતાના માટે નવી તકો શોધી શકશે.

અમેરિકાની કડક વિઝા નીતિને ચીનનો જવાબ

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જણાવ્યું કે, “વૈશ્વિકીકરણ પામેલા વિશ્વમાં, ટેકનોલોજીકલ અને આર્થિક પ્રગતિ માટે પ્રતિભાનું સરહદ પાર પરિવહન ખૂબ જ મહત્વપૂર્ણ છે.” તેમણે કહ્યું કે ચીન માનવતાની પ્રગતિ અને કારકિર્દીની સફળતામાં યોગદાન આપવા માટે તમામ લાયક વ્યાવસાયિકોનું સ્વાગત કરે છે.

આ પણ વાંચો : એલોન મસ્કે ઠંડા પાડ્યા ટ્રમ્પનેઃ H-1B visa વિવાદમાં આવ્યો નવો વળાંક…

નિષ્ણાતો માને છે કે અમેરિકાની કડક વિઝા નીતિ અને ચીનની આકર્ષક નીતિ ભવિષ્યમાં વૈશ્વિક પ્રતિભાના પ્રવાહની દિશા બદલી શકે છે. ભારતીય વ્યાવસાયિકો માટે હવે મોંઘા યુએસ વિઝા અને ચીનમાં મળતી નવી તકો વચ્ચે પસંદગી કરવાનો પડકાર ઊભો થયો છે.

કે વિઝા અન્ય શ્રેણીની સરખામણીમાં લાભદાયક

ચીને નવી વિઝા કેટેગરી હેઠળ ઓગસ્ટમાં નિર્ણય લીધો હતો, પરંતુ હવે પહેલી ઓક્ટોબરથી વિઝા શ્રેણી લાગુ થશે. એક બાજુ અમેરિકા વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (એસટીઈએમ)ના ફિલ્ડથી જોડાયેલા લોકોને એચવન બી વિઝા દ્વારા લાવતું હતું, પણ હવે આ કામ આ કેટેગેરીમાં લાવશે. અમુક દેશમાં વર્કિંગ પ્રોફેશનલ્સની એન્ટ્રી પણ કડક કરી છે, ત્યારે ચીન તેનો ફાયદો ઉઠાવ્યો, તેનાથી વર્કિંગ ટેલેન્ટેડ લોકોને પોતાના દેશમાં ખેંચી શકે છે. વાસ્તવમાં ચીનમાં બાર પ્રકારની વિઝા કેટેગરી છે અને કે વિઝા અન્ય શ્રેણીની સરખામણીમાં લાભદાયક છે. કે વિઝા ધરાવનારા વિદેશીઓને ચીનમાં અવરજવર કરવા માટે મલ્ટીપલ એન્ટ્રીની સુવિધા મળશે. વિઝાની વેલિડિટી પણ વધુ હશે તથા ચીનમાં રહેવાની મુદતમાં પણ વધારો થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button