ચિલીમાં ફરી એકવાર ધરા ધ્રુજી, 5.7ની તીવ્રતા નોંધાઈ; જુલાઈમાં આ ચોથો ભૂકંપ આવ્યો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ચિલીમાં ફરી એકવાર ધરા ધ્રુજી, 5.7ની તીવ્રતા નોંધાઈ; જુલાઈમાં આ ચોથો ભૂકંપ આવ્યો

ચિલી: ચિલીમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. આજે ફરી એકવાર ચિલીમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ જુલાઈ મહિનામાં ચોથી વખત ચિલીમાં ભૂકંપ આવ્યો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસએ ચિલીમાં ભૂકંપની પુષ્ટિ કરતા કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર ધરતીથી 49 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર મળ્યાં નથી. જો કે, સરકારે દેશવાસીઓને સતર્ક રહેવાની સૂચના આપી દીધી છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની 7.3ની તીવ્રતા નોંધાઈ

આ પહેલા અમેરિકાના અલાસ્કામાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની 7.3ની તીવ્રતા નોંધાઈ હતી. તે ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રમાં 110 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. જો કે, તેમાં પણ કોઈ જાનહાનિ ના થઈ હોવાથી સરકારે રાહતનો શ્વાસ લીધો હતો. ભૂકંપના કારણે સત્વરે ત્યા સુનામીની ચેતવણી આપી દેવામાં આવી હતી. જો કે, થોડાક જ કલાકોમાં સુનામીનો ખતરો ટળી ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ચિલીમાં માત્ર વર્ષ 2025માં જ 4600 ભૂકંપની ઘટનાઓ બની

પૃથ્વી પર ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. ચિલી અને તેની આસપાસના વિસ્તારોમાં માત્ર 2025માં જ 4600 ભૂકંપની ઘટનાઓ બની છે. આ દરેક ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2થી 5ની રહેતી હોય છે. જુલાઈ મહિનામાં 1લી તારીખે વાલ્પરાઈસો નજીક દક્ષિણ પેસિફિક મહાસાગરમાં 5.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, 4 જુલાઈએ રાંકાગુઆ નજીક 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને 8મી જુલાઈએ એન્ટોફાગાસ્ટાથી 266 કિલોમીટર પૂર્વમાં 2.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

અહીં નાઝકા પ્લેટ અને દક્ષિણ અમેરિકન પ્લેટ સરકી રહી છે

ચિલી સૌથી વધારે ભૂકંપની પ્રભાવિત હોય તેવું લાગી રહ્યું છે કે, માત્ર 2025માં જ 4600 વખત ભૂકંપ આવ્યો છે. ચિલી દેશ પેસિફિક મહાસાગરમાં ‘રિંગ ઓફ ફાયર’ પર આવેલો છે. અહીં નાઝકા પ્લેટ અને દક્ષિણ અમેરિકન પ્લેટ નીચથી સરકી રહી છે. આ સબડક્શન દર વર્ષે 7 સેન્ટિમીટરના દરે બદલાય છે, જેના કારણે ભૂકંપની ગતિવિધિઓ થાય છે. જો કે, મોટાભાગે 2થી 5ની તીવ્રતાનો જ ભૂકંપ આવતો હોવાથી વધારે નુકસાન થતું નથી. પરંતુ ભવિષ્યમાં આ તીવ્રતા વધી શકે તેવું નિષ્ણાતો માની રહ્યાં છે.

આ પણ વાંચો…કચ્છના ભચાઉ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button