પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનો કામચલાઉ યુદ્ધવિરામ લાગુ, હવે શું કરશે બંને દેશ? જાણો

ઇસ્લામાબાદ/કાબુલ: છેલ્લા 4 દિવસથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એકબીજા પર વારાફરતી હુમલો કરી રહ્યા છે. જેને લઈને પાકિસ્તાનના 12 જેટલા સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. સાથોસાથ યુદ્ધને લઈને બંને દેશોમાં કટોકટી જેવો માહોલ સર્જાયો છે. ત્યારે હવે બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
6 વાગ્યે થયો યુદ્ધવિરામનો અમલ
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાન વહીવટીતંત્ર સરહદ પર વધી રહેલા તણાવ અને નવી અથડામણોને પગલે 48 કલાક માટે કામચલાઉ યુદ્ધવિરામ લાગુ કરવા સંમત થયા છે. પાકિસ્તાનના સમય મુજબ આજે સાંજે 6 વાગ્યે યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા આ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ સરહદ પરની દુશ્મનાવટ ઘટાડવાનો અને તાજેતરમાં ફાટી નીકળેલી લડાઈ પછી બંને પડોશી દેશો વચ્ચે વાટાઘાટો માટે માર્ગ મોકળો કરવાનો છે.
જટિલ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરીશું
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, આ જટિલ પરંતુ ઉકેલી શકાય તેવા મુદ્દાને ઉકેલવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરશે.” આમ, આ યુદ્ધવિરામનો હેતુ દુશ્મનાવટ પર પૂર્ણવિરામ મૂકીને રાજદ્વારી વાતચીતને પ્રોત્સાહન આપવાનો અને ભવિષ્યમાં જાન-માલના નુકસાનને રોકવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજકીય નિષ્ણાતો આ કામચલાઉ યુદ્ધવિરામને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે એક મહત્ત્વનું પગલું ગણાવી રહ્યા છે.