કેનેડાની સિટિઝનશિપ માટેના નિયમોમાં કરશે મોટો ફેરફાર; ભારતીયમૂળના પરિવારોને થશે ફાયદો

ઓટાવા: યુએસમાં ઈમિગ્રેશન અને નાગરિકતા માટેના નિયમો કડક બનાવવામાં આવતા વિદેશમાં વસવાની ઈચ્છા ધરાવતા ભારતીયો કેનેડા તરફ નજર કરી રહ્યા છે. એવામાં અહેવાલ છે કે કેનેડા તેના નાગરિકતા નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેનાથી હજારો ભારતીય મૂળના પરિવારો અને વિદેશમાં જન્મેલા અન્ય કેનેડિયનોને ફાયદો થઈ શકે છે.
તાજેતરમાં કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન લેના મેટલેજ ડાયબે જણાવ્યું હતું કે, કેનેડાના નાગરિકતા કાયદામાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે બિલ C-3 રજુ કરવામાં આવશે, જેનાથી વિદેશમાં જન્મેલા અથવા દત્તક લીધેલા બાળકો અને તેમના પરિવારોને ન્યાય મળશે.
લેના મેટલેજ ડાયબે જણાવ્યું કે જેમને અગાઉના કાયદાઓ દ્વારા બાકાત રાખવામાં આવ્યા હતા એવા લોકોને આ બિલને મંજુરી મળવાથી નાગરિકતા મળશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ નિયમો બનાવવામાં આવશે, કાયદામાં આ ફેરફારોથી કેનેડિયન નાગરિકતાને મજબૂત અને સુરક્ષિત બનાવવામાં મદદ મળશે.
કોર્ટના ચુકાદા બાદ નિયમોમાં ફેરફાર:
ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)ના જણાવ્યા મુજબ, વર્ષ 2009 માં રજૂ કરવામાં આવેલા નિયમો મુજબ કેનેડાની બહાર જન્મેલા અથવા દત્તક લીધેલા બાળકોને કેનેડાની નાગરિકતા મેળવવા તેના માતા કે પિતા બેમાંથી કોઈ એક કેનેડામાં જન્મેલા હોવા જોઈએ અથવા કનેડાના નાગરિક હોવા જોઈએ. ડિસેમ્બર 2023 માં, ઓન્ટારિયો સુપિરિયર કોર્ટે આ નિયમને ગેરબંધારણીય ઠેરવ્યો. ફેડરલ સરકારે નિર્ણય સ્વીકાર્યો, સરકારે આ નિર્ણય સામે ઉપરની કોર્ટમાં અપીલ ન કરી.
આ નિયમની કારણે ઘણાં લોકો કેનેડિયન નાગરિકતાથી વંચિત રહ્યા હતાં, આવા લોકોએ ‘લોસ્ટ કેનેડિયન’ નામનું સંગઠન બનાવ્યું હતું, અને સતત નાગરિકતા માટે માંગ કરતા હતાં.
હજારો લોકોને મળશે નાગરિકતા:
હવે જો બિલ C-3 બિલ પસાર થઇ જશે તો જુના પ્રતિબંધોને કારણે પ્રભાવિત થયેલા લોકોને નાગરિકતા મળશે. આ બિલની જોગવાઈ મુજબ જો માતાપિતાએ બાળકના જન્મ અથવા દત્તક લેતા પહેલા ઓછામાં ઓછા 1,095 દિવસ કેનેડામાં વિતાવ્યા હશે, તો બાળકને નાગરિકા મળી શકાશે. યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ નાગરિકતા મેળવવા માટે આવી જોગવાઈઓ છે.
કોર્ટે નવી જોગવાઈઓ લાગુ કરવા માટે ડેડલાઇન જાન્યુઆરી 2026 સુધી લંબાવી છે, જેનાથી IRCC ને તૈયારી માટે સમય મળ્યો છે.
નવા નિયમોને કારણે કેનેડામાં વસતા ભારતીય મૂળના સંખ્યાબંધ લોકોને રાહત મળશે.



